હિંમતનગર,તા.૧૩ 

લોકડાઉનદરમિયાન હિંમતનગર નજીક આવેલ રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણની જ્યોત જગાવવા સહિત લોકડાઉનનો સદઉપયોગ કરી લોક ભાગીદારીથી શાળામાં પ્રાર્થના ખંડ, શાળાનું કલર કામ સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. રાજપુર પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઇ પટેલે લોકડાઉનમાં પોતાની શાળામાં બાકી રહેલી ભૌતિક સુવિધાઓમાં કેવી રીતે વધારો કરી શકાય તે વિશે વિચારતા હતા. લોકડાઉન દરમિયાન પણ શાળામાં જતાં શિક્ષક રાજુભાઇએ ગામના અગ્રણીનો સંપર્ક કરી શાળાના મકાનમાં ખૂટતી જરૂરી ભૌતિક સુવિધાઓ માટે લોકફાળો એકત્રીત કરવાનુ સૂચન કરતાં ગામના દાતાઓએ પણ શિક્ષકની ભાવનાને માન આપી ઉદાર હાથે દાન કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે શાળામાં પ્રાર્થના ખંડ, કલર કામ, બાગ-બગીચા સહિતની સુવિધાઓ કોરોનાકાળમાં ઉભી કરવામાં સફળતા મળી.શિક્ષક રાજુભાઇ પટેલે જણાવ્યુ કે, લોકડાઉન દરમિયાન કલર કામ માટે માણસો ન મળતા જાતે જ માલ સામાન ખરીદીને સમગ્ર શાળાનો કલર કામ કરવાનુ નક્કી કર્યુ હતું. અંદાજે ત્રણ લાખ રૂપિયાનું માતબર દાન એકઠુ કરી પોતાની શાળાની ભૌતિક સુવિધામાં વધારો કરવા માટે રજાની ચિંતા કર્યા વગર દરરોજ સવારે શાળાએ પહોંચી કામગીરી કરતા હતા. આ ઉપરાંત લોકડાઉન દરમિયાન ગામમાં ઘરેઘરે જઇ બાળકો અને વાલીઓનો સંપર્ક કરી ઘરે બેઠા શિક્ષણ ચાલુ રહે તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા. વર્ગખંડોની સફાઇ જાતે કરી વૃક્ષારોપણ તેમજ વૃક્ષોની સારસંભાળ રાખવાનુ કામ પણ કર્યું હતું. શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા કોવિડ-૧૯ બૌદ્‌ધગાથા સફળ વાર્તામાં પણ રાજયકક્ષાએ શિક્ષક રાજુભાઇ પટેલની નોંધ લઇ પ્રોત્સાહન આપ્યુ હતુ.