સુરત,તા.૨૭ 

હાલ કોરોનાના કારણે તમામ સ્કુલ બંધ છે અને હાલ સ્કુલ શરૂ થાય તેવી પણ કોઈ શક્યતા નથી એટલે સ્કુલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, કોર્ટે સ્કુલ શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલ દ્વારા ફી વસુલવામાં નહી આવે તેવો ચુકાદો આપ્યો છે. આ લાગુ કરવાની સાથે જ મોટા ભાગની સ્કુલે ઓન લાઈન શિક્ષણ બંધ કરી દીધું છે કે બંધ કરવાની તૈયારી કરી દીધી છે.

આવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું જોઈ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ અનોખી પહેલ શરૂ કરી છે. રાંદેર ઝોન વિસ્તારની શાળાના આચાર્ય રૂપાબેન ત્રિવેદીએ સોશ્યલ મિડિયા પર મોટી ફી ન ભરી શકતાં વાલીઓ જોગ એક સંદેશો મુક્યો છે. જેમાં ઓન લાઈન શિક્ષણ ભલે કોઈ સ્કુલે બંધ કરી દીધું હોય પરંતુ ધોરણ ૧થી ૮ના ખાનગી સ્કુલ જેની ફી ન ભરી શકતા વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી તેમ જણાવ્યું છે. ખાનગી સ્કુલમાં ફી ન ભરી શકતાં વિદ્યાર્થીના વાલીને અપીલ કરતાં કહ્યું છેકે, તેઓનો સંપર્ક કરવાથી તેઓ ધો, ૧થી ૮ના વિદ્યાર્થીઓને અભ્યાસામં જરૂર હોય તેવું મોટા ભાગનું મટીરીયલ્સ, પીડીએફ ફાઈલ, પીડીએફ બુક ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિજીટીલ પાઠ ભણાવશે.આ ઉપરાંત કેટલીક લીંક મોકલવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઘર બેઠા વિના મુલ્યે પોતાનું શિક્ષણ મેળવી શકશે. આ ઉપરાંત ધો. ૬થી ૮માં વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનમાં મુશ્કેલી પડે છે તેના માટે પણ કેટલીક એપ્લીકેશન આપશે. . રૂપા ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અમે સરકારી શિક્ષકો આફતને અવસરમાં બદલીશું.