વડોદરા, તા. ૨૬

ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યા બાદ અત્રે અકોટા વિસ્તારના એક સ્પામાં ગેરકાયદે નોકરીએ રહી ગ્રાહકોને મસાજનું કામ કરતી થાઈલેન્ડની યુવતીને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે સ્પામાં દરોડો પાડી હતી. વિદેશી યુવતી પાસે ગેરકાયદે મસાજનું કામ કરાવતા સ્પાના સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી બંનેને જેપી રોડ પોલીસના હવાલે કરાયા હતા. અકોટા વિસ્તારમાં રાધાક્રિષ્ણા ચારરસ્તા પાસે આવેલા ક્લાસીક કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં આવેલા વૈભવી ‘સોલ સ્પા’નો સંચાલક સોનુ પ્રેમકિશોર ગુપ્તા (અશોકા એપાર્ટમેન્ટ,ભાયલી, મુળ રહે.બિહાર) અલગ અલગ દેશોમાંથી ટુરીસ્ટ વિઝા પર યુવતીઓને બોલાવી પોતાના સ્પામાં મસાજનું ગેરકાયદે રેકેટ ચલાવતો હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને માહિતી મળી હતી. આ માહિતીના પગલે પીઆઈ એન.ડી.સોલંકી સહિતના સ્ટાફે આજે સોલ સ્પામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન થાઈલેન્ડની વતની મીસ સેંગ સાંગા ચેનરીમ સ્પામાં કામ કરતા મળી હતી. પોલીસે પુછપરછ બાદ કરી તેનો પાસપોર્ટ ચેક કર્યો હતો જેમાં તે ગત ૨૭-૮-૨૦૧૯થી ૨૬-૮-૨૦૨૦ સુધીના ટુરિસ્ટ વિઝા પર અત્રે આવ્યા બાદ વર્કીંગ વિઝા વિના સ્પામાં ગેરકાયદે મસાજનું કામ કરતી હોવાની વિગતો મળી હતી. સ્પામાં મસાજનું ગેરકાયદે કામ કરતી થાઈલેન્ડની યુવતી તેમજ તેને પોતાના સ્પામાં નોકરીએ રાખનાર સ્પાના સંચાલક સોનુ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી હતી. આ બંને વિરુધ્ધ ફોરેનર્સ એક્ટ હેઠળ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી બંનેને પોલીસ મથકમાં સોંપાયા હતા.