વડોદરા, તા.૧૮

સયાજી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના આઈસોલેશન વોર્ડના આઈસીયુમાં ઓક્સિજન પુરવઠાની વધઘટને કારણે દર્દીઓના થયેલા મૃત્યુ અંગેના પ્રસિદ્ધ થયેલા અહેવાલની ગંભીર નોંધ લઈ ખાસ ફરજ પરના અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આ સમગ્ર બનાવની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જાે કે, તપાસ કમિટીએ આજે સવારે આ બાબતમાં સયાજી હોસ્પિટલની નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને આ અહેવાલના સંદર્ભે એનેસ્થેસિયા વિભાગના વડા અને પ્રો.ડો. સ્વાતિ ભટ્ટ, કાર્યપાલક અધિકારી ડો. બિરેન પાઠક, ઓક્સિજન પૂરો પાડતી અને તેને માટેની વ્યવસ્થાની જાળવણી અને દેખરેખ રાખતી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરી જાણકારી મેળવી હતી,

જેના આધારે તપાસ કમિટીએ ઓક્સિજનના પુરવઠામાં વિક્ષેપ અંગેની વ્યવસ્થામાં કોઈ ચૂક ન હોવાનો પ્રાથમિક અહેવાલ કમિટીએ આપ્યો છે અને જણાવ્યું છે કે, વિગતવાર અહેવાલ મોડેથી રજૂ કરશે. આ સમગ્ર ગંભીર મામલે તપાસ કમિટીના ત્રણ સભ્યોએ ‘ઘરના જ ભૂવા અને ઘરના જ જાગરિયા’ જેવો ઘાટ ઘડીને તપાસનો અહેવાલ સુપરત કર્યો હોવાની ચર્ચાએ જાેર પકડયું છે. જાેકે આ ખામીને દુર કરવા માટે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠા માટેની ટાંકી પ્રસ્થાપિત કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું. આ ત્રણ સભ્યોની કમિટીએ માત્ર ને માત્ર વહીવટકર્તા અધિકારીઓ પાસેથી વિગતો મેળવી છે, પરંતુ જે તે સમયે દર્દીઓનાં મૃત્યુ થયાં એ દરમિયાનના ફરજ પરના તબીબ સ્ટાફ, નર્િંસગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ તથા આઈસોલેશનમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસેથી સમગ્ર બનાવની પૂછપરછ સાથે વિગતો મેળવી છે ખરી? આ એક યક્ષપ્રશ્ન સારવાર લઈ રહેલા દર્દીઓના સગાંઓ પૂછી રહ્યા છે. જાે તપાસ કમિટીએ જે તે સમયના ફરજ પરના તબીબ, સ્ટાફ, કર્મચારીઓ પાસેથી આ બનાવની વિગતો મેળવી હોત તો સમગ્ર બનાવની સત્ય હકીકત પ્રકાશમાં આવી હોત! તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે ઓગસ્ટ સુધીમાં કોવિડના દર્દીઓ માટેની પથારીઓની સંખ્યામાં થનાર વધારાને અનુલક્ષીને હાલમાં સયાજી હોસ્પિટલ ખાતે લિકવીડ ઓક્સિજન ટેન્ક પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે. જે આગામી ૩ થી ૪ દિવસમાં કર્યાન્વિત થઈ જશે.