વડોદરા : મસાજ પાર્લર અને સ્પાના રૂપાળા નામ હેઠળ શહેરમાં ઠેર-ઠેર ફાટી નીકળેલા દેહવ્યાપારની હાટડીઓ પૈકી એક ઉપર એસઓજીએ દરોડો પાડતાં અન્ય રાજ્યોની ૯ જેટલી યુવતીઓ મળી આવી હતી. પોલીસની ટીમે ગોઠવેલા છટકામાં બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાનો સંચાલક આબાદ ઝડપાઈ જતાં પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પાના ઓથા હેઠળ ધમધમતા સેક્સ રેકેટને વડોદરા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રૂમમાંથી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડીને કેશ કાઉન્ટર ઉપરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત ૩૯ હજારની મત્તા સાથે સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરની એસઓજી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ઓલ્ડ પાદરા રોડ અક્ષરચોક ખાતે આવેલા ધ પાર્ક એપાર્ટમેન્ટમાં બીજા માળે બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા આવેલું છે. જ્યાં સંચાલક પ્રિતેશ મિસ્ત્રી પોતાના ફાયદા માટે નોર્થ ઈસ્ટ ઇન્ડિયાથી યુવતીઓ લાવે છે અને તેના રહેઠાણની વ્યવસ્થા કરીને બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માણવા ઇચ્છુક યુવકોને યુવતીઓ બતાવી ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના વ્યક્તિદીઠ ૩ હજારથી ૯ હજાર રૂપિયા લઇને સેક્સરેકેટ ચલાવે છે.

આ બાતમીના આધારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને યુવતી રૂમમાં પ્રવેશતા ડમી ગ્રાહકે પોલીસને મિસકોલ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત રકમ ચૂકવવા પોલીસે ચલણી નોટના નંબરો નોંધ કરીને આપેલા રૂપિયાની ચૂકવણી કરવા તખ્તો ગોઠવ્યો હતો. ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચતાં જ એક યુવતી સાથે બોડી મસાજ તેમજ શરીરસુખ માણવા રિસેપ્શન કાઉન્ટર પર ૭ હજાર રૂપિયા નક્કી કર્યાં હતા, ત્યાર બાદ ડમી ગ્રાહકે પોલીસને સિગ્નલ આપતાં જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી.

બુદ્ધા ઇન્ટનેશનલ સ્પામાં આવતા ગ્રાહકોને તેની પસંદગી મુજબની યુવતીઓ પૂરી પાડવામાં આવતી હતી. યુવતીઓને મહિને પગાર પર રાખી ગ્રાહકો પાસેથી વ્યક્તિદીઠ રૂા. ૩,૦૦૦થી ૯,૦૦૦ સંચાલક દ્વારા વસૂલવામાં આવતા હતા. સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો ધંધો કરતા સંચાલક પ્રિતેશ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે પ્રિતેશ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બુદ્ધા ઇન્ટનેશનલ સ્પામાં રેડ દરમિયાન મળી આવેલા રાજ્ય બહારની ૯ યુવતીઓને પોલીસે દેહવેપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી.

યુવતીના પર્સમાંથી ત્રણ કોન્ડમના પેકેટ મળી આવ્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવતી નોર્થ દિલ્હીની હોવાનું બહાર આવ્યું હતું. યુવતીના પર્સમાંથી ત્રણ કોન્ડમના પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત રિસેપ્શનિસ્ટ પ્રિતેશ મિસ્ત્રીના કાઉન્ટરમાંથી રોકડા ૨૨ હજાર રૂપિયા તથા રૂપિયા ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. બુદ્ધા ઈન્ટર નેશનલ સ્પા આ અંગે કોઈપણ જાતની નોંધણી કે પુરાવા નહોતા. જેથી એસઓજી પોલીસે સંચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.