વડોદરા : રાજ્યભરમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. ત્યારે વડોદરામાં કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તેનો આજે બપોરે કોવિશિલ્ડ કોરોના વેક્સિનનો મોટો જથ્થો વડોદરા વેક્સિન ઈન્સ્ટિટયૂટ ખાતે આવી પહોંચ્યો હતો. વેક્સિનના વધામણા કરવા વિધાનસભાના અધ્યક્ષ અને અન્ય મહાનુભાવો, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભારતીય પરંપરા મુજબ કંકુ-ચોખાના ચાંદલા કરી કોરોના વેક્સિનના વધામણા કર્યા હતા.  

વડોદરામાં કોરોના રસી લેવા માટે ૧૬૪૦૦ જેટલા હેલ્થ વર્કરોને જ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પૂણેથી નીકળી બુધવારે બપોરના સમયે વડોદરા આવી પહોંચેલા કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ગ્રીન કોરિડોર દ્વારા વેક્સિન ઈન્સ્ટિટયૂટ સેન્ટર ખાતે લાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૭,૧૧૭ જેટલા હેલ્થ વર્કરોને રસી આપવાનું આયોજન કરાયું હતું પરંત ત્યાર બાદ ૭૧૭ જેટલા વહીવટી સ્ટાફ અને અધિકારીઓને પહેલા રાઉન્ડમાં રસી ન આપવાની સૂચના અપાઈ છે. જમનાબાઈ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, સત્યમ્‌ હોસ્પિટલ છાણી, સુકુન હોસ્પિટલ, યમુના મિલ અર્બન હેલ્થ સેન્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ, ઈલોરાપાર્ક બીએપીએસ ખાતે રસી આપવામાં આવશે.

તદ્‌ઉપરાંત શહેરના પૂર્વ ઝોનના બે અને બાકીના ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં ત્રણ-ત્રણ હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ૩૨૦ વેક્સિન આપનારની પસંદગી કરાઈ છે, જ્યારે જિલ્લામાં ૪૯૫ વેક્સિનેટરો કાર્યરત રહેશે. આ સેન્ટરો પૈકી સયાજી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને બીએપીએસ અને ટ્રાયકલર હોસ્પિટલમાં વીડિયો કોન્ફરન્સ સુવિધા છે. કોરોના રસી માટે દરેક સેન્ટરમાં પાંચ કર્મચારીઓ ફાળવવામાં આવશે. નર્સ્િંાગ સ્ટાફ હાજર રહેશે. આ ઉપરાંત પોલીસ હોમગાર્ડ, એનએસએસ, એનસીસી કેડરને પણ કામગીરી સોંપવામાં આવી છે.

વેક્સિનને વેલકમ કરવા વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા

વડોદરા. કોરોના વેક્સિનના વધામણા કરવા માટે ઉપસ્થિત રહેલા રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોવિશિલ્ડ વેક્સિનના આગમનને એક અદ્‌ભુત ઘટના ગણાવી હતી અને જણાવ્યું હતું કે, ભારતના વૈજ્ઞાનિકોએ ઓછામાં ઓછા ખર્ચે વિશ્વની સૌથી સસ્તી રસી બનાવીને આત્મનિર્ભર ભારતનો પુરાવો આપ્યો હોવાનો ગર્વ અનુભવ્યો હતો તેમજ પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે રસીના વિતરણ અને રસીકરણની વિરાટ વ્યવસ્થા રાજ્ય સરકારોના સહયોગથી ગોઠવી રાષ્ટ્રીય એકતા અને એકસૂત્રતાના ભગીરથ કવાયત ગણાવી હતી.