ગોધરા : કાલોલ શહેર અને તાલુકામાં કોરોનાએ તેની અજગરી ભીંસ વધારતા બુધવારે નવા સાત કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. જે સાત કેસો બે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ કોરોના પ્રભાવિત બનતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો હતો. જે અંગેની આરોગ્ય વિભાગની માહિતી મુજબ બુધવારે લીધેલા ૧૧૦ એન્ટીજન ટેસ્ટ પૈકી કાલોલ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ કેસો અને એક પોરવાડ ફળીયામાં મળી કુલ ચાર પોઝીટીવ કેસો નોંધાયા હતા. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નેસડા ગામના દિપા ફળિયામાં એક કેસ, ડેરોલગામના દરજી ફળિયામાં એક કેસ અને રાબોડ ગામના મોટા ફળીયામાં એક કોરોના પોઝીટીવ કેસ મળી તાલુકામાં ત્રણ કેસો ઉજાગર થયા હતા. આ સાથે સમગ્ર કાલોલ વિસ્તારમાં કોરોનાએ બેવડી સદીનો આંક વટાવતા કુલ ૨૦૬ પોઝીટીવ કેસો નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ બ્લોક હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા અને સણસોલી પીએચસી ખાતે ફરજ બજાવતા કર્મચારી સાથે બન્ને આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમણથી પ્રભાવિત બન્યા હોવાનું જાણવા મળ્યું હતું, જોકે આ બન્ને આરોગ્ય કર્મીઓના કોરોના કેસોની ગણતરી તેમના રહેણાંક શહેરમાં કરવામાં આવી હતી જેથી તેમનો સમાવેશ કાલોલ કેન્દ્ર ખાતે કરવામાં આવતો નથી તેવો ખુલાસો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.