વડોદરા, તા.૨૮

વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે. વિતેલા કલાકો દરમિયાન સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી સાત દર્દીઓના મોત નીપજ્યાં હતાં. આજે મહાનગરપાલિકાની ડેથ ઓડિટ કમિટીએ વધુ ચાર દર્દીઓના કોરોનામાં મૃત્યુ જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક ૬૪૦ થવા પામ્યો હતો.

આજે દિવસ દરમિયાન નવા ૨૫૨૭ કોરોનાના દર્દીઓ નોંધાયા હતા. આ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧,૧૪,૭૪૦ થઈ છે. જેમાં ૨૩,૬૧૫ એક્ટિવ કેસો હોવાનું જાણવા મળેલ છે. દર્દીઓ પૈકી ૨૩,૧૦૬ હોમ આઈસોલેશન અને ૧૦,૧૦૮ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે. હાલ શહેરમાં પ૦૯ જેટલા દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં ૩૨ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૧૭૪ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. ૩૧૫૭ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આ સાથે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૯૦,૪૮૫ થઈ હતી, જે ૧ લાખ નજીક પહોંચવા આવી છે.

આજે દિવસ દરમિયાન મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે કપુરાઈ, બાપોદ, વડસર, મકરપુરા, વાઘોડિયા રોડ, નવાપુરા, ફતપુરા, દિવાળીપુરા, નવાયાર્ડ, માંજલપુર, યમુના મિલ, પાણીગેટ, માણેજા, ગોત્રી, સવાદ, રામદેવનગર, આજવા રોડ, એમ.જી. રોડ સહિતના વિસ્તરોમાં કોરોનાલક્ષી કામગીરી કરવામાં આવી હતી, એ દરમિયાન ૯૫૩૬ વ્યક્તિઓના શંકાસ્પદ લક્ષણોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૨૫૨૭ કોરોનાના કેસ સામે આવ્યા હતા.

આજે નવા આવેલા કોરોનાના કેસોમાં શહેરના ચારેય ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં ૬૩૧, દક્ષિણ ઝોનમાં ૫૬૮, ઉત્તર ઝોનમાં ૪૪૫, પૂર્વ ઝોનમાં ૩૫૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૨૮ કેસો નોંધાયા હતા. નવા આવેલા કેસોમાં કેટલાક જરૂરિયાત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તો કેટલાકને હોમ આઈસોલેશન અને હોમ ક્વોરાન્ટાઈન કરાયા છે.