સુખસર, તા.૧૬

ફતેપુરા તાલુકામાં ડાંગરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થવા પામેલ છે.અને હાલ ખેડૂતોને દ્વારા ડાંગર વેચાણ કરવાની સિઝન ચાલી રહી છે.ત્યારે ફતેપુરા તથા સુખસર માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા નિયત ભાવ કરતા ઓછા ભાવે ડાંગરની ખરીદી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે ફતેપુરા તાલુકાના બાવાની હથોડ ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉન કેન્દ્ર ખાતે ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવામાં આવી રહી છે.સરકારી અનાજ ગોડાઉન ઉપર ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.ગરીબ ખેડૂતોની અબુધતાનો ગેરલાભ ઉઠાવી ફતેપુરા તથા સુખસર માર્કેટયાર્ડોમાં અનાજના વેપારીઓ દ્વારા ખેડૂતોને નિયમો મુજબ ભાવ નહીં આપી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.તેમાં હાલ આ માર્કેટયાર્ડોમાં ૨૦ કિલો ડાંગરના ૨૮૦ થી ૩૨૦ સુધીના ભાવે વેપારીઓ ડાંગર ખરીદ કરી રહ્યા છે.જ્યારે ફતેપુરા તાલુકા તાલુકાના સરકારી અનાજ ગોડાઉન બાવાની હાથોડ ખાતે આવેલ છે જ્યાં ડાંગરની ખરીદી ૪૦૮ પ્રતિ મણના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.હાલ સુધી બાવાની હાથોડ ખાતે કુલ ખરીદ કરેલ એમએસપી ડાંગર કટ્ટા ૭,૧૨૬ (૨૪૯૪.૧૦ ક્વિન્ટલ) જેની અંદાજે કુલ કિંમત ૫૦,૮૭,૯૬૪ રૂપિયા થવા જાય છે.તેમજ હાલ આ સરકારી ગોડાઉન ખાતે ડાંગરની ધૂમ ખરીદી કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.આમ માર્કેટયાર્ડોમાં ખેડૂતોને ડાંગરમાં ૧૦૦ જેટલા વેપારીઓ દ્વારા ઓછા આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરાઈ રહી છે.ત્યારે લાગતા-વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપવાની જરૂરત જણાઈ રહી છે.

ટેકાના ભાવે ડાંગર ખરીદી કરતા ખેડૂતોને ફાયદો

અમો માર્કેટ યાર્ડમાં વેપારીઓ પાસે જ્યારે ડાંગર વેચાણ કરવા જઈએ છીએ ત્યારે અમોને રૂપિયા ૨૮૦ થી ૩૨૦ રૂપિયા સુધીના ભાવો મળે છે. જ્યારે બાવાની હાથોડ ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં અમારા પાસે ડાંગર રૂપિયા ૪૦૮ ના ભાવે ખરીદ કરવામાં આવી રહી છે.