મધ્યપ્રદેશના ગુનાની માનવતાને લજવતી દર્દનાક ઘટના

દંડા-બેટ અને પથ્થરથી ફટકારતા ફટકારતા ચાલવા માટે મજબૂર કરી

ગર્ભવતી સ્ત્રીના ખભે મોટા છોકરાને બેસાડી ઉઘાડે પગે ત્રણ કિમી ચલાવી

ગુના-

મધ્યપ્રદેશના ગુનામાં ૫ મહિનાની ગર્ભવતી મહિલા પર અત્યાચાર અને દુર્વ્યવહાર થયાનું જાણવા મળ્યું છે. મહિલાનો પતિ તેને બીજા યુવક પાસે છોડીને ચાલ્યો ગયો હતો. આ બાબતે નારાજ મહિલાના સાસરીયાઓએ તેનું સરઘસ કાઢ્યું હતું. મહિલાના ખભા પર એક છોકરાને બેસાડીને તેને ત્રણ કિલોમિટર સુધી ઉબડ-ખાબડ રસ્તા પર ઉઘાડા પગે ચાલવા મજબૂર કરી હતી. એટલું ઓછું હોય તેમ, આખા રસ્તે આ લોકો મહિલાને લાકડી-દંડાથી ફટકારતા રહ્યા હતા.

ગત તારીખ ૯મી ફેબ્રુઆરીની મનાતી આ ઘટનાનો વિડિયો સોમવારે વાયરલ થયો હતો. પોલીસે આ કેસમાં ગંભીરતા નહોતી બતાવી. આરોપી સસરા, જેઠ અને દિયરને માત્ર માર મારવાનો કેસ દાખલ કરીને પોલીસ સ્ટેશનથી જ જામીન આપીને તેમને છોડી દેવાયા હતા.

આ મહિલા ગુનાના બાંસખેડી ગામની હતી. તેણે કહ્યું હતું કે, બે મહિના પહેલા તેનો પહેલો પતિ સીતારામ તેને સાંગઈ ગામના ડેમાના ઘરે મૂકીને ઈંદોર ચાલ્યો ગયો હતો. જતી વખતે તેણે કહ્યું હતું કે, હું હવે તને રાખી શકું એમ નથી, તુ ડેમાની સાથે જ રહેજે. ૬ ફેબ્રુઆરીએ મહિલાના સસરા ગુનજરિયા વારેલા, જેઠ કુમાર સિંહ, કે પી સિંહ અને રતન તે મહિલા પાસે ગયા હતા અને તેને પોતાના ઘરે આવવા દબાણ કર્યું હતું.

મહિલાએ જવાની ના કહેતાં તેઓ તેને માર મારવા લાગ્યા હતા. તેના ખભા પર ગામના એક છોકરાને બેસાડી દીધો હતો અને સાંગઈથી બાંસખેડી સાસરા સુધી ત્રણ કિલોમિટર તેને ઉઘાડા પગે લઈ ગયા હતા. મહિલાને પાંચમો મહિનો જતો હતો, છતાં સસરા અને જેઠ તેને ઘસેડતા રહ્યા હતા. દંડા, પથ્થર, ક્રિકેટ બેટ વગેરેથી તેઓ તેના પગ પર ફટકા મારતા જતા હતા. દરમિયાન તેના પતિનો ફોન પણ આવ્યો હતો. એણે તે મહિલાને છોડી દેવા કહ્યું હતું પણ કોઈ માન્યું નહોતું.

પોલીસે આરોપીઓ સામે ગાળ દેવાની ધારા ૨૯૪, ધક્કો મારવાની કે થપ્પડ મારવાની ધારા ૩૨૩, જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ધારા ૫૦૬ દાખલ કરીને કેસ કર્યો હતો. આ બધી ધારામાં જામીન મળી શકે છે. તેમાં ત્રણ મહિનાથી માંડીને બે વર્ષ સુધીની સજા થઈ શકે છે. ગુનાના એસપી રાજીવ કુમાર મિશ્રાએ કહ્યું હતું કે, આ ઘટના મારા આવવા પહેલા બની છે. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ વધુ આકરી ધારાઓ લાગુ કરશે.