ગાંધીનગર-

સાત દિવસ અગાઉ ગાંધીનગર સિવિલમાં હોસ્પિટલમાંથી નવજાત બાળકનું નર્સ તરીકેની ઓળખ આપી અજાણી મહિલા ફરાર થઈ જતા સેકટર-૭ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ૧૨ અલગ અલગ ટીમો બનાવીને ૨૦૦ સીસીટીવી ફુટેજ તેમજ ૫૦૦ જેટલા રિક્ષાચાલકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ કર્યા બાદ ફળદાયી હકીકત મળતા નવજાત બાળકના અપહરણની ઘટનાને અંજામ આપનાર મહેસાણાના પ્રેમી પંખીડાને પાલનપુરથી ઝડપી લઈને બાળકને તેની માતા સાથે મિલન કરાવી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાહતનો દમ લીધો હતો.

ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ચોકડી પાસે કાચા છાપરામાં રહેતા મૂળ રાજસ્થાનના ૧૯ વર્ષીય રાકેશ મીઠુંનાથ કાલબેલિયાની પત્ની ગાયત્રીને પ્રસુતીની પીડા ઉપડતાં ગત તારીખ ૨૮ માર્ચના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં ગાયત્રીએ દીકરાને જન્મ આપ્યા બાદ ૩૧ માર્ચના રોજ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તે દરમિયાન એક અજાણી મહિલા અભણ દંપતિ પાસે આવીને પોતે નર્સ હોવાની ઓળખ આપી હોસ્પિટલમાંથી બાળકની દેખરેખ માટે ઘરે આવતી હોવાનું જણાવી ખિલખિલાટ વાનમાં બેસી ગઈ હતી અને બીજા દિવસે બાળકનું ચેકઅપ કરવાં માટે લઈ આવી સિવિલ હોસ્પિટલથી બાળકનું અપહરણ કરી ફરાર થઈ જતાં સેકટર-૭ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાંથી નવજાત બાળકના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઇ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ ન્ઝ્રમ્-૧,ન્ઝ્રમ્-૨,ર્જીંય્ અને સેક્ટર-૭ સહિતના પોલીસ જવાનોની અલગ-અલગ બાર ટીમોને એક્ટિવ કરી હતી. આ ટીમોને ડીવાયએસપી એમકે રાણા દ્વારા સતત સીધું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું અને આ ટીમો દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીનું પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પળે પળની માહિતી મેળવવામાં આવતી હતી.

પોલીસની ૧૨ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી ખાનગી બાતમીદારોને સક્રિય કરી સતત સાત દિવસ સુધી દિવસ રાત ગાંધીનગર વિસ્તારના સિવિલ હોસ્પિટલ અડાલજ કલોલ છત્રાલ નંદાસણ કડી સહિતના હાઈવે રોડ પરના ૨૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસીને ૫૦૦ જેટલા રિક્ષાચાલકોની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા ફળદાયી હકીકત મળી હતી. જેમાં આરોપી મહિલા મહેસાણાના રાજપુર ગામની હોવાનું ખુલવા પામ્યું હતું. જેના પગલે પોલીસ કાફલો વહેલી પરોઢિયે રાજપુર ગામની સીમના એક બોરકુવા ખાતે દોડી ગયો હતો, પરંતુ ત્યાથી આરોપીઓ નીકળી ગયા હોવાનું જાણવા મળતા બોર માલિકની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના વગદા ગામે છે. જેથી બે ટીમ બાતમી વાળા ખેતરે તાબડતોડ દોડી ગઈ હતી અને અપહરણ કરનાર મહિલા તેમજ તેના પ્રેમીને ઝડપી લઈ બાળકનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો

નવજાત બાળકનો કબજાે મેળવ્યા બાદ એલસીબીએ મહેસાણા કડી તાલુકાના રાજપુર ગામના અસ્મિતા ડાયાભાઈ ભારતી ૩૦ વર્ષ તેમજ તેના પ્રેમી જીગ્નેશ જગદીશ ભારથીની ધરપકડ કરી દીધી હતી. જેમની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરતા અસ્મિતા અને તેના પતિથી ચાર સંતાનો છે. જ્યારે તેના પ્રેમી જીગ્નેશને પણ પહેલી પત્નીથી ત્રણ દીકરીઓ છે. બંનેને પોત પોતાના પતિ પત્નીથી મનમેળ ના આવતા લગ્નનો અંત લાવ્યો હતો અને ફૂલહાર કરીને પતિ પત્નીની જેમ જ રહીને નવેસરથી ઘર માંડયું હતું.

પ્રેમી પંખીડા અગાઉના લગ્નજીવનનો અંત લાવ્યા બાદ નવેસરથી ઘરસંસાર માંડ્યો હતો પરંતુ પ્રેમી જીગ્નેશે તેની પ્રેમિકા અસ્મિતાને જણાવ્યું હતું કે, જાે તને પુત્રનો જન્મ થશે તો જ તેની સાથે તે રહેશે તેવી શરત મૂકી હતી. જાેકે, અગાઉના પતિથી ચાર સંતાનો થયા બાદ બાળક રહેવાની સંભાવના નહિવત હોવાના કારણે અસ્મિતાએ સિવિલમાંથી બાળકનું અપહરણ કરવાનું નક્કી કરી અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો.

સિવિલમાંથી બાળકનું અપહરણ કર્યા બાદ અસ્મિતા પ્રેમી જીગ્નેશ જાેડે ગઈ હતી. જ્યાં દીકરાની લાલસામાં અંધ બનેલા પ્રેમીએ ફૂલ જેવા બાળકને જાેઈ સહર્ષ સ્વીકાર કરી લીધો હતો અને બંને નવજાત બાળકને સાત દિવસથી ઉછેરવા લાગ્યા હતા. પરંતુ નવજાત બાળક માતાના દૂધ વિના રડતો હતો જેથી તેને ગાયનું દૂધ ચમચીથી પીવડાવીને શાંત રાખતા હતા.

આ અંગે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હરપાલસિંહ ઝાલા જણાવ્યું હતું કે, ફરિયાદી બહારના રાજ્યના તેમજ અભણ હોવાના કારણે આરોપી બાબતે તેનું ચોક્કસ વર્ણન કે દેખાવ અંગે સ્પષ્ટતા થઈ શકી નહોતી. પોલીસ ટીમે સિવિલ હોસ્પિટલ તેમજ ફરિયાદીના રહેણાંકના સરનામે ઝીણવટ પૂર્વકની પૂછપરછ કરતા આરોપી મહિલાના દાત ઉપર સોનાનો રેખ ચઢાવેલ હોવાનું અને મોઢા ઉપર સોનાનું નિશાન હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે ૨૦૦ જેટલા સીસીટીવી ફુટેજ તેમજ ૫૦૦ જેટલા રિક્ષાચાલકોની ઉંડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.