વડોદરા : શહેર નજીક ભાદરવા ખાતે ગત ૨૦૧૪માં થયેલી હત્યાના બનાવમાં સંડોવાયેલી મુળ ઉત્તરપ્રદેશની વતની અને જે તે સમયે છુટ્ટક મજુરી કરતી સંગીતાબેન કુંવરસીંગ કુશવાહા ભાદરવા પોલીસ મથકમાં તેની વિરુધ્ધ ફરિયાદ નોંધાતા જ અત્રેથી ફરાર થઈ હતી. દરમિયાન પોલીસને પાંચ વર્ષ સુધી હાથતાળી આપીને અલગ અલગ સ્થળે ફરાર રહેલી સંગીતાબેન કુશવાહા હાલમાં તેના પતિ સાથે ઉત્તરપ્રદેશમાં ઝાંસી જિલ્લાના મહારાણીપુર તાલુકાના મગરવાડા ગામમાં આશ્રય લેતી હોવાની જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડને માહિતી મળી હતી. આ માહિતીના પગલે પીએસઆઈ એ કે રાઉલજી સહિતની ટીમે ટેકનીકલ સોર્સના આધારે સંગીતાબેનનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યુ હતું અને તેની ઉત્તરપ્રદેશથી ઝડપી પાડી હતી. પોલીસે તેને અત્રે લાવી તેનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ભાદરવા પોલીસ મથકમાં સોંપી હતી.