વડોદરા

૭૨મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના અધ્યક્ષસ્થાને વડોદરા સ્થિત રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થઇ હતી.નાયબ મુખ્યમંત્રીએ ધ્વજવંદન કરી પોલીસ બેન્ડ સુરાવલીના તાલે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે માર્ચ પાસ્ટ યોજાઇ હતી.

પ્રજાજાેગ સંદેશ આપતા પ્રભારીમંત્રી નિતીન પટેલે જણાવ્યું કે, પડકારોનું વર્ષ પૂરું થયું છે અને આશાનું નવું વર્ષ શરૂ થયું છે. રાજય સરકાર દરેક પરિવારમાં પ્રગતિનો દીપ પ્રજ્જવલ્લિત કરવાની નેમ ધરાવે છે. ૧૩૦ કરોડથી વધુ ભારતીયો ૭૨મા પ્રજાસત્તાક દિનને ગૌરવપ્રદ રીતે ઉજવી રહ્યા છે ત્યારે ૨૦૨૦ના કોરોના કાળ દરમિયાન કોરોના વોરિયર્સ, મેડિકલ વિભાગના તબીબી વિશેષજ્ઞ, તબીબી અધિકારીઓ, ફ્રન્ટલાઇન વોરિયર્સ, પોલીસ અધિકરીઓની ઉત્તમ કામગીરીને આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા તેવા તમામને શ્રદ્ધાંજલી અર્પી હતી.પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકો, નિષ્ણાંતો, પ્રોફેસર્સ અને અનેક નવી સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહન આપી કોરોના મહામારી સામે દેશને પડકારરૂપ રસી બનાવી નાગરિકોને સુરક્ષાકવચ આપ્યું છે, તેવું નાયબ મુખ્યમંત્રી પટેલે વધુમાં કહ્યું હતુ.

કોરોના લડવૈયાઓનું સન્માન

સયાજીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને લાભ આપવાની શ્રેષ્ઠ કામગીરી માટે તબીબી અધિક્ષક ડો.રંજન ઐયર ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના સોખડા અને મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ને રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે બિરદાવવામાં આવ્યા હતા.જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જાેષી અને તેમની ટીમને કોરોના કાળમાં લોક આરોગ્યની રક્ષા માટે ૩૬ આયુર્વેદિક દવાખાનાઓ ના માધ્યમ થી ૩૦ લાખથી વધુ લોકોને ઉકાળા અને આયુર્વેદિક દવા વિતરણનો શ્રેષ્ઠ લાભ આપવા માટે સન્માનિત કરવામાં આવ્યા. મુનિ સેવાશ્રમ ગોરજના ડો.વિક્રમ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યવાહકો નું કોરોના કટોકટી અને આરોગ્ય સેવાઓમાં શ્રેષ્ઠ યોગદાન માટે અભિવાદન કરવામાં આવ્યું.૧૦૮ સેવાના કમલેશ ઓડ,જયેશ પરમાર અને રાહુલ વસાવાને કોરોના કાળમાં અને જીવન રક્ષાની શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.પોલીસ અધિકારી બી.બી.રાઠોડ અને જવાનોને કોરોના કાળમાં ઉમદા લોક સેવા માટે બિરદાવવામાં આવ્યા.