વડોદરા

કરજણ તાલુકાના મેથી ગામની સીમમાં આવેલ ૧૫૦ થી ર૦૦ ફૂટ ઊંડા કૂવામાં ગામના જ ર૪ વર્ષીય યુવાને મોતની છલાંગ મારી આપઘાત કરી લેતાં વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો અને મૃતદેહ કરજણ પોલીસને સોંપ્યો હતો. પોલીસે બનાવ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

માહિતગાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના મેથી ગામે રહેતો ભાવેશ ગોપાલભાઈ પાટણવાડિયા (ઉં.વ.ર૪) તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. તે છેલ્લાં કેટલાંય સમયથી રહસ્યમય કારણોસર ગુમસુમ રહેતો હતો. તેને આજે સવારે ગામની સીમમાં આવેલ અવાવરુ ૧૫૦ થી ર૦૦ ફૂટ ઊંડા કૂવા આવ્યો હતો અને ભેદી સંજાેગોમાં બૂટ-મોજાં કાઢી કૂવામાં કૂદી પડયો હતો. આ ઘટનાની જાણ કૂવા નજીકથી પસાર થતા કેટલાક રાહદારીઓને થતાં તેઓએ મેથી ગામમાં બનાવની જાણ કરી હતી. જેથી ગામના લોકો કૂવા પાસે દોડી આવ્યા હતા, જ્યાં કૂવાની નજીક ભાવેશ પાટણવાડિયાએ પહેરેલા બૂટ-મોજાં મળી આવતાં આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરી હતી. જેથી મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ રેસ્કયૂ ટીમ સાથે બનાવના સ્થળે મેથી ગામે આવી પહોંચ્યા હતા. કૂવામાં ઝાડી-ઝાંખરાં સાથે લોખંડની એંગલો હોવાથી કૂવામાં ઉતરવું અત્યંત કઠિન અને મુશ્કેલ હતું. તેમ છતાં ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોએ અંદાજે ૧૮૦-૨૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડેલ ભાવેશ પાટણવાડિયાનો મૃતદેહ નજેર પડયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ચાર-પાંચ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢયો હતો. ત્યાર બાદ મૃતદેહને નારેશ્વર પોલીસ ચોકીને સોંપવામાં આવ્યો હતો. ભાવેશ પાટણવાડિયાએ કયા કારણોસર કૂવામાં કૂદી આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.