વડોદરા

કિશનવાડી વિસ્તારમાં મહાદેવના મંદિરમાં દર્શન કરીને ચાલતી ઘરે જઈ રહેલી મહિલાને અડફેટે લઈ તેમજ ટોળું ભેગુ થતાં પોતાની બાઈક ઘટનાસ્થળે મુકીને ફરાર થયેલા યુવકને વારસિયા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. કિશનવાડી રામફળિયામાં રહેતા ૪૫ વર્ષીય મધુબેન કનુભાઈ માછી ગઈ કાલે સાંજે ઘર પાસે આવેલા મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તે મંદિરમાં બેઠા હતા તે સમયે તેમનો પુત્ર કમલેશ તેમને બોલાવવા માટે આવતા તે પુત્રને તું ઘરે જા હું ચાલતી આવુ છું તેમ કહીને સાડા સાત વાગે ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. તે ગધેડામાર્કેટ પાસે રસ્તો ઓળંગતા હતા તે સમયે ડબલસવારીમાં પુરઝડપે પસાર થઈ રહેલા એક બાઈકચાલકે તેમને અડફેટે લઈ અકસ્માત કર્યો હતો જેમાં તેમના માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થયા હતા. ઘટનાસ્થળે ટોળું ભેગુ થતાં બાઈકસવાર બંને યુવકો બાઈકને ઘટનાસ્થળે છોડી ફરાર થયા હતા. આ બનાવની કમલેશભાઈએ વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાઈકના નંબરના આધારે ટેકનીકલ સોર્સીસથી બાઈકચાલક ૨૦ વર્ષીય ધવલ કાશીરામ ભરવાડ (પુનમનગર, આજવારોડ)ને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી.