વડોદરા : એસઓજી દ્વારા ચોક્કસ બાતમીના આધારે શહેરના ગોત્રી વિસ્તારમાંથી ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકની હાથ બનાવટની દેશી પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા નારાયણ ગાર્ડ સ્થિત કલ્પપવિત્ર ફ્લેટમાં રહેતો પાર્થ ભટ્ટ ઘરેથી ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. શહેર પોલીસની મહત્વની શાખા સ્પેશ્યલ ઓપરેશન ગૃપને ચોક્કસ બાતમી મળી હતી કે, પાર્થ ભટ્ટ નામનો શખ્સ પોતાની પાસે માઉઝર રાખી લક્ષ્મીપુરા રોડ પર નિકળવાનો છે. બાતમીના આધારે પોલીસે પુરતી વોચ ગોઠવી પાર્થને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ઝડતી કરતા કમરના ભાગે પેન્ટમાંથી એક હાથ બનાવટની પીસ્તોલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે પાર્થ ભટ્ટની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૪માં મૈયત લતેશ ઉર્ફે લત્તુ જાદવની હત્યા થઇ હતી. મૃત્ક લતેશ તેનો મિત્ર હતો, જેણે ઘટના પહેલા પીસ્તોલ અને બે કારતૂસ જરૂર પડે તે માટે લઇ જવા માટે જણાવ્યું હતુ. જોકે તેની હત્યા બાદથી પાર્થ ભટ્ટ આ હાથ બનાવટની પીસ્તોલ પોતાની પાસે રાખતો હતો. ૬ મહિના અગાઉ નર્મદા કેનાલ પાસેના ખેતરમાં ફાયરિંગ કરીને તેણે પીસ્તોલનુ ટેસ્ટીંગ પણ કર્યું હતુ અને દશેરાના દિવસે હથિયારની પૂજા કર્યા બાદથી પોતાની પાસે રાખતો હતો. પોલીસ આ મામલે પાર્થ ભટ્ટ સામે આર્મસ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ કરવામાં આવેલુ રટણ સાચુ છે કે કેમ ? તથા કોઇ ગુનાને અંજામ આપવા માટે પીસ્તોલ લઇને ફરતો હતો કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરી છે.