વડોદરા

ઉત્તરાયણ-પતંગોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્સવપ્રિય નગરીમાં પતંગોત્સવનો કોરોનાના ગ્રહણ વચ્ચે પણ ધમધમાટ શરૂ થયો છે. પતંગરસિયાઓએ આકાશીયુદ્ધની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ત્યારે ઉત્તરાયણનો ઉત્સવ કેટલાક માટે આનંદ-ઉત્સાહ, તો કેટલાક માટે દુઃખદાયી બની રહે છે. આજે કપાયેલી પતંગના દોરાનો ઘસરકો વાહનચાલકના ગળાના ભાગે વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે કોરોનાની મહામારી અને સરકારની ઉત્તરાયણ પર્વની ગાઈડલાઈન, માર્ગદર્શિકા વચ્ચે નગરવાસીઓમાં પતંગોત્સવની ઉજવણી માટેનો થનગનાટ શરૂ થયો છે. જેના ભાગરૂપે કેટલાક પતંગરસિયાઓએ અત્યારથી જ પતંગો ચગાવવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આજે કપાયેલો પતંગનો દોરો વાહનચાલકના ગળાના ભાગે ઘસરકો વાગવાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હોવાનો શહેરમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના મેમણ કોલોની પાસેથી પસાર થતા વાહનચાલકના ગળાના પતંગના દોરાનો જાેરદાર ઘસરકો વાગતાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા ઘાયલ યુવાનને સારવાર આપવામાં આવી હતી.