રાજકોટ આજે રાજકોટમાં ઓમિક્રોનના કેસ વધવા માંડ્યા છે. લંડનથી આવેલી ૨૧ વર્ષીય યુવતીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ નોંધતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. ૨૧ તારીખે અમદાવાદ એરપોર્ટ પર યુવતીનો કોરોના ટેસ્ટ કરતા પોઝિટિવ નોંધાતા તેને એમ્બ્યુલન્સ મારફત રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં આજે તેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ નોંધાતા તેને સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. આ પૂર્વે આર.કે. યુનિવર્સિટીમાં તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે.રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ગઇકાલે કોરોનાના ૭ કેસો નોંધાયા હતા. જેમાં વોર્ડ નં.૯માં આવેલા ભીડભંજન મેઈન રોડ પર રહેતી ૧૪ વર્ષીય સગીરા, શ્રોફ રોડ પર રહેતો અને હાલમાં જ ગોવાથી આવેલ ૨૪ વર્ષીય યુવાન, વોકહાર્ટ હોસ્પિટલ સામેના વિસ્તારમાં રહેતા ૪૧ વર્ષીય પુરૂષ, સોમનાથ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન, અમીન માર્ગ પર રહેતા ૫૬ વર્ષીય પ્રૌઢ અને મવડી પ્લોટની સરદાર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય મહિલાનો કોરોનો પોઝીટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા સેમ્પલ લેવાયા છે, ૧૪ વર્ષની સગીરાને બાદ કરતા બાકીના ૬ દર્દીએ વેકસીનના બંને ડોઝ લીધા છે. આ દરમ્યાન મેયર ડો. પ્રદિપ ડવે પણ કોરોનાના વધેલા કેસના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કામગીરીનો રીપોર્ટ લીધો હતો.