જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી ઉત્સવમાં વડોદરા તાલુકાના શહેર નજીક આવેલ નંદેસરીમાં રહેતી અને કુદરતની અકળલીલાનો ભોગ બનેલી ર૪ વર્ષીય અંજનાબેન પરમાર કે ‘પા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને દર્શાવવામાં આવેલી અસાધ્ય બીમારી પ્રોજેરિયાથી પીડાય છે. તેણીએ પણ ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો હતો અને પોતે ભારતીય નાગરિક હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રોજેરિયાથી પીડિત અંજના પરમારને ભાજપાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી જીત્યા બાદ દત્તક લીધી હતી અને તેણીની વહારે આવ્યાં હતાં. બીજી તરફ પરિવારજનોએ આજે મતદાન કરવા તેણીને લઈને આવ્યા ત્યારે અંજના પરમારની માતા કોકિલાબેન પરમારે આક્ષેપો કર્યા હતા કે પુત્રીને દત્તક લીધા બાદ સાંસદ મળવા માટે આવ્યાં નથી. જાે કે, કોકિલાબેન પરમારના આક્ષેપો સત્યથી વેગળા હોવાનું અને તકલીફમાં પરમાર પરિવારના કોઈ સભ્ય સાંસદને મળવા ગયા ન હોવાનું જાણવા મળ્યું હતું. અલબત્ત, આજના ચૂંટણી મતદાનની સાથે પ્રોજેરિયાથી પીડિત અંજના પરમારે પાંચમી વખત મતદાન કર્યું હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.