વડોદરા

વાઘોડિયા પોલીસની મથકની હદમાં આવેલા નવાપુરા ગામમાં જિલ્લા એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો અને ખેતરમાં બનાવેલા પાકા મકાનમાં ચાર કિલો ગાંજા સાથે યુવકને ઝડપી પાડી તેની પાસેથી ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસઓજીના દરોડાના પગલે વાઘોડિયા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમને ગઈ કાલે માહીતી મળી હતી કે વાઘોડિયા તાલુકાના નવાપુરા ગામમાં રહેતો જલ્પેશ ઉર્ફ પપ્પુ નટુભાઈ પટેલ માદકદ્રવ્યોનું વેચાણ કરે છે અને તે હાલમાં નવાપુરા ગામની સીમમાં આવેલા ખેતરમાં હર્ષદ પટેલના મકાનની બાજુમાં વેચાણ માટે લાવેલો ગાંજાનો જથ્થો છુપાવ્યો છે. આ વિગતોના પગલે ગ્રામ્ય એસઓજીની ટીમે ગત બપોર બાદ સરકારી પંચો સાથે નવાપુરા ગામમાં આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હર્ષદ પટેલના ખેતરમાં પાકા મકાનની બાજુમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા જલ્પેશ પટેલને પોલીસે ઝડપી પાડી તેને સાથે રાખીને તપાસ કરી હતી જેમાં રૂમની બાજુમાં ટ્રેકટરના હુડના નીચે વિમલ પાન મસાલાના થેલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવની એફએસએલની ટીમને જાણ કરાતા તેઓએ ઘટનાસ્થળે આવી કીટ સાથે ખાત્રી કરી હતી જેમાં થેલામાં મળેલો પદાર્થ ૪ કિલો ૨૧૬ ગ્રામ ગાંજાે હોવાનું જણાવતા પોલીસે ૨૫,૨૯૬ રૂપિયાના ગાંજાનો જથ્થો કબજેક રી જલ્પેશની એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી હતી. પોલીસે તેની પાસેથી ગાંજાે તેમજ એક મોબાઈલ ફોન, ગાંજાની હેરફેર માટે ઉપયોગમાં લીધેલી બાઈક સહિત ૫૮,૨૯૬ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેને મુદ્દામાલ સાથે વાઘોડિયા પોલીસને સોંપ્યો હતો.