અમદાવાદ, આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મૃત્યુના રહસ્ય પરથી પોલીસે પડદો ઉંચકી નાખ્યો છે. મૃતક ઉમેદસિંહ સ્ત્રી મિત્ર સાથે કારમાં બેઠા હતા અને સ્થાનિક ત્રણ લોકોએ ઝગડો કરતા હત્યા થઇ હોવાનું સામે આવતા કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદના સામાજિક કાર્યકર અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેદસિંહ ચાવડાના શંકાસ્પદ મોત મામલે કાલુપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કાલુપુર પોલીસે હત્યાની કલમ હેઠળ હનીફ, ફારૂક અને મુનાફની ધરપકડ કરી છે. આ હત્યા કઈ પરિસ્થિતિમાં થઇ હતી તે અંગે પોલીસે તપાસ કરતા ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. ઉમેદસિંહ ચાવડાની હત્યાના ઘટનામાં સાત લોકો વિરૂદ્ધ કાલુપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યા બાદ તપાસ શરુ કરી હતી. જેમાં સૌથી પહેલા પોલીસે એ મુદ્દાની તપાસ કરી હતી કે ૩૦-૧૨-૨૦૨૦ ની રાત્રે એટલે કે બનાવની રાત્રે મૃતક સાથે કોની કોની હાજરી હતી. જેમાં ઉમેદસિંહ ચાવડાના બે મિત્રો અને એક મહિલા મિત્રના નામ સામે આવ્યા હતા. જેમની પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક ઉમેદહસિંહ ચાવડા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને જેને નોકરીની જરૂરિયાત હતી. જેથી તે મહિલા મિત્રને મળવા માટે ખાડિયા ચાર રસ્તા નજીક કારમાં મોડી રાત્રે ગયા હતા અને કારમાં બંનેની મુલાકાત ચાલી રહી હતી. તે સમયે હનીફ, ફારૂક અને મુનાફે આવીને કારનો દરવાજાે ખખડાવ્યો હતો. જેને લઇને મૃતક ઉમેદસિંહ ચાવડા અને હનીફ , ફારૂક અને મુનાફ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં મૃતકને ઇજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં મૃત્યુ થયું હતું. ઈજાઓ પહોંચ્યા બાદ ખુદ આરોપીઓ તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હોવાનું એસીપી હિતેશ ધાધલિયાએ જણાવ્યું છે.