મુંબઇ

બોલિવૂડ એક્ટર રાહુલ રોયને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તે ઘરે પરત ફર્યો છે. 'આશિકી' ફૅમ એક્ટર રાહુલ રોયને 29 નવેમ્બરના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. બુધવાર, છ જાન્યુઆરીના રોજ રાહુલને મુંબઈની વૉકહાર્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલાં રાહુલ રોય નાણાવટી હોસ્પિટલમાં એડમિટ હતો.

સૂત્રોના મતે રાહુલના જીજાજી રોમીર સેને કહ્યું હતું કે રાહુલ હવે ઘરે આવી ગયો છે. તેને ઠીક થવામાં છથી સાત મહિનાનો સમય લાગી શકે છે. ફિઝિયો તથા સ્પીચ થેરપી ચાલુ છે અને તે ચાલુ રહેશે. રોમીરે વધુમાં કહ્યું હતું કે છેલ્લો એક મહિનો રાહુલ તથા પરિવાર માટે ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. જોકે, રાહુલ ફાઈટરની જેમ બીમારી સામે લડ્યો છે. 

ઘરે પરત ફર્યા બાદ રાહુલ રોયે સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરીને કહ્યું હતું, 'હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ હું ઘરે પરત ફર્યો છું. હું સાજો થઈ રહ્યો છું અને સંપૂર્ણ સાજા થવામાં હજી વાર લાગશે. આજે હું મને સાથ આપનાર દરેકનો આભાર માનું છું. રોહિત મારો ભાઈ, મારી બહેન તથા બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા, મારા જીજાજી રોમીર તથા મિત્રો અદિતી ગોવારિકર, ડૉ. હુઝ ઝાહિદ, અશ્વિની કુમાર, અઝહર, શ્રુતિ દ્વિવેદી, સુચિત્રા પિલ્લાઈ તથા મારા ચાહકોનો આભાર.' 

ફિલ્મ પ્રોડ્યૂસર નિવેદિતા બાસુએ કહ્યું હતું, 'રાહુલ ડિરેક્ટરનો ખાસ મિત્ર છે. કારગિલમાં વાતાવરણ ઘણું જ ખરાબ હતું અને તેમણે માઈનસ 12થી લઈ 18 ડિગ્રીમાં શૂટિંગ કર્યું હતું. રાહુલ ઠંડી સહન કરી શક્યો નહીં. ફિલ્મનું એક દિવસની શૂટિંગ હજી બાકી છે.' 

રાહુલ કારગિલમાં માઈનસ 17 ડિગ્રીમાં 'LAC'નું શૂટિંગ કરતો હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. રાહુલને પહેલાં કારગિલ અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.

રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે 'જુનૂન', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'નસીબ', 'એલાન', 'કૈબ્રે' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.