વડોદરા, તા.૧૮ 

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટિ રેલમાર્ગે જાેડવાના ડ્રીમ પ્રોજેક્ટનો રવિવારે કેવડિયા આવનારી ૮ ટ્રેનોને લીલી ઝંડી બતાવી કેવડિયા, ડભોઇ સ્ટેશન તેમજ વડોદરા-કેવડિયા રેલ લાઇનનો પ્રારંભ કરાવ્યો હતો. જાેકે, આજે સોમવાર હોવાથી એસ.ઓ.યુ. બંધ હતું પરંતુ આગામી દિવસોમાં દેશના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા એસ.ઓ.યુ.ને રેલ માર્ગથી જાેડવાના પ્રોજેક્ટનો રવિવારે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અને દેશના રેલ નકશામાં વધુ એક સ્ટેશન કેવડિયા સ્ટેશનનો ઉમેરો થયો છે. દેશનું એકમાત્ર ગ્રીન સ્ટેશન તરીકે કેવડિયા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે દેશના ૬ રાજ્યોમાંથી ૮ ટ્રેનો કેવડિયા સુધી ફાળવવામાં આવી છે.

આજે ટ્રેનોના પ્રારંભ બાદ બીજા દિવસે ૮ ટ્રેનોમાં ૯૦ મુસાફરો કેવડિયા સ્ટેશને ઉતર્યા હોવાનું રેલવેના સુત્રોએ જણાવ્યું હતું. જાેકે, આજે એસ.ઓ.યુ. બંધ હોવાથી તુલનામાં ઓછા પેસેન્જર્સ કેવડિયા ગયા હતા. પરંતુ આગામી દિવસોમાં દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસિઓ ટ્રેન દ્વારા કેવડિયા પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. આજે પ્રતાપનગર-કેવડિયાની બે મેલ એક્સપ્રેસમાં ૧૦ તેમજ અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી એક્સપ્રેસમાં ૨૩ જેટલા પેસેન્જર્સ કેવડિયા સ્ટેશને ઉતર્યા હોવાનું જાણવા મળે છે.