વડોદરા, તા.૨

ચોવીસ કલાક વાહન વ્યવહારથી ધમધમતા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર કૂતરાને બચાવવા જતાં પૂરઝડપે જઈ રહેલી એક કારચાલકને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં કાર રોડ ડિવાઈડર પર ચઢી જઈને ઝાડ અને સાઈન બોર્ડ સાથે ભટકાઈ હતી. કારના આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે કારચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. આ બનાવને પગલે લોકોના ટોળાં ઉમટી પડયાં હતાં.

આજે સવારે શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પરથી એક કારચાલક પૂરઝડપે પસાર રહ્યા હતા, તે સમયે રસ્તે રખડતા કૂતરાઓ પૈકી એક કૂતરું અચાનક બ્રિજ પર દોડતું રોડ ક્રોસ કરતું હતું તેને બચાવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઈડર પર ચઢી જઈને ઝાડ અને સાઈન બોર્ડ સાથે ભટકાઈ હતી. જેને લીધે કારનો આગળનો ભાગ ખુરદો બોલી ગયો હતો અને કારચાલકને ઈજાઓ પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કૂતરાને પગમાં ફ્રેકચર થયું હતું. આ અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં, સાથે સાથે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.