કાનપુર-

નવા વર્ષના પહેલા દિવસે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર એક દુ:ખદાયક અકસ્માત સર્જાયો હતો. એક હાઇસ્પીડ પ્રાઈવેટ બસએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે હાજર છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બસ અરરિયા બિહારથી દિલ્હી જઇ રહી હતી. ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવર દેખાતો ન હતો અને બસ કન્ટેનરમાં ધસી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ બસમાં 65 થી 70 લોકો હતા. બસ ચાલક સલાઉદ્દીનનું પણ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસ કન્ટેનરની અંદર 5 ફૂટ ઘૂસી ગઈ હતી અને ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન લગભગ બે કલાક સુધી એક્સપ્રેસ વે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. અકસ્માતને કારણે મુસાફરોમાં અરાજકતા ફેલાઇ હતી.

આ અકસ્માત અંગે પોલીસ કહે છે કે, વધુ તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. સલામત મુસાફરોને ઘરે મોકલવાની પણ તૈયારી ચાલી રહી છે.