વડોદરા, તા.૧૭

વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતા એક પરિવારને રિક્ષામાં લગ્નપ્રસંગમાં જતી વેળાએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે હંકારી રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦ માસના માસૂમનું મોત નીપજ્યું હતું, જ્યારે છ જણાને ઈજાઓ પહોંચતાં તેઓને સંખેડા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ પૈકી બે જણાને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. જ્યારે ટેન્કરચાલક તેની ટેન્કર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો.

આ અંગે મળતી વિગત અનુસાર શહેરના ફતેપુરા ભાંડવાડામાં રહેતો મુસ્લિમ પરિવાર સલીમભાઈ ઉસ્માનભાઈ પઠાણ (ઉં.વ.૩પ), આયેશાબેન ઈરફાનભાઈ પઠાણ (ઉં.વ.ર૩) માસૂમ અબ્દુલ અહદ (ઉં.વ.૧૦ માસ) સહિત છ લોકો રિક્ષામાં સવાર થઈને આજે સવારે સંબંધીના ત્યાં લગ્નપ્રસંગમાં બોડેલી ખાતે જતાં હતાં. લગ્નપ્રસંગના આનંદ સાથે આ પરિવાર રિક્ષામાં બોડેલી તરફ આગળ વધી રહ્યો હતો, તે વખતે રિક્ષા ડભોઈ-બોડેલી રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રોડ પરથી માતેલા સાંઢની જેમ દોડતી ટેન્કરના ચાલકે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મંગલભારતી-ગોલાગામડી પાસે રિક્ષાને જાેસભેર ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર છ જણાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને રોડ ઉપર ફંગોળાયા હતા, જ્યારે એક ૧૦ માસના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. ઈજાગ્રસ્તોને સંખેડાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં સલીમ ઉસ્માનભાઈ પઠાણ, આયેશા ઈરફાન પઠાણને વધુ સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતાં. આ અકસ્માતના પગલે ટેન્કરચાલક તેની ટેન્કર ઘટનાસ્થળે છોડી ફરાર થઈ ગયો હતો. સંખેડા પોલીસે ફરાર ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.