આણંદ, તા.૨૧ 

આણંદ જિલ્લામાં હાલ કોરોના વાઇરસના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહેલ છે. આવા સંજાેગોમાં આણંદ અને ખેડામાં આવેલા નાના-મોટા ઔદ્યોગિક એકમોમાં કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તે તંત્ર દ્વારા આકસ્મિપક ચકાસણી કરવામાં આવી રહી છે. ખંભાત તાલુકામાં આવેલ વિવિધ ઔદ્યોગિક એકમોમાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ખંભાતના નાયબ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર કચેરી અને મામલતદાર કચેરીના સ્ટોફની સંયુકત ટીમ બનાવીને પોલીસ કર્મચારીઓને સાથે રાખીને છેલ્લા બે દિવસ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. તાલુકામાં આવેલી ફાર્માસ્યુટીકલ, રાઇસ મિલ, કેમિકલ ફેકટરી જેવા ૬૫ જેટલાં વિવિધ ઔદ્યોગિક એકમોની આકસ્મિમક તપાસણી હાથ ધરવામાં આવી હતી.

શું-શું તપાસ કરવામાં આવી?

આ ચકાસણી દરમિયાન શિફ્ટમાં નિયત મર્યાદિત સંખ્‍યામાં કારીગરો હોય છે, માસ્‍ક, સેનિટાઇઝેશન, કારીગરોનું ટેમ્પરેચર માપવામાં આવે છે, બે શિફ્ટ વચ્ચેનું અંતર, મોટી ઉંમરના કામદારો છે કે નહિ? વગેરે ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત કારીગરોના ભોજન, પાણી અને પરિવહનની સગવડની બારીકાઇપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.

ખેડાના મોટા ઔદ્યોગિક એકમોમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી

નડિયાદઃ ખેડા જિલ્‍લામાં જિલ્‍લા કલેકટર આઇ. કે. પટેલની સૂચનાને ધ્યાને લઇને પ્રાંત અધિકારી લલિત પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવીને નડિયાદ, વસો અને મહુધા તાલુકામાં આવેલ નાના-મોટા ઔદ્યોગિક એકમોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી રહી છે. મહુધા તાલુકાના કાકોજી ફ્રુડટેક પ્રાઇવેટ લિમિટેડ, ચૂણેલ તથા જ્યોતિ ટીમ્બર્સ, મહુધાની મહુધા મામલતદાર જી.આર.પ્રજાપતિ અને નાયબ મામલતદાર ભાર્ગવ ઠાકર દ્વારા આકસ્મિક ચકાસણી કરાઇ હતી.