વડોદરા, ન્યુ ઈન્શ્યુરન્સના નિવૃત્ત અધિકારીની ઈચ્છાઅનુસાર તેમના મૃત્યુ બાદ પુત્ર સયાજી હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં તબીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન કરવામાં આવ્યું હતું. શહેરના સુભાનપુરા બાલાજી ખાનગી હોસ્પિટલ પાસે આવેલ સંતોષ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ભાસ્કરભાઈ હરીલાલ આચાર્ય (ઉં.વ.૮૬) ન્યુ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી સેવાનિવૃત્ત થયા બાદ નિવૃત્તમય જીવન પસાર કરતા હતા અને તેઓ સમાજના ઉત્કર્ષ માટે સેવા આપતા હતા. સેવાભાવીનો સ્વભાવ ધરાવતા ભાસ્કરભાઈ આચાર્ય અને તેમના ધર્મપત્ની ઈન્દિરાબેન આચાર્યએ વર્ષ ૨૦૦૯માં દેહદાન માટે મેડિકલ કોલેજમાં ફોર્મ ભર્યા હતા અને તેમના પુત્ર રાજીવભાઈ આચાર્યએ પોતાના દેહદાનની વાત કરી હતી. જેથી પિતા ભાસ્કરભાઈનું અવસાન થતાં પિતાની ઈચ્છા અનુસાર પુત્ર રાજીવભાઈ પિતાના મૃતદેહને લઈને દેહદાન કરવા માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે દેહદાનની પ્રક્રિયા હાથ ધરી હતી અને આચાર્ય પરિવારે સમાજને દેહદાનનો સંદેશો આપ્યો હતો.