વડોદરા : ભોગ બનેલી યુવતીએ બળાત્કારનો આરોપી ડો. ત્રિવેદીએ આસામમાં નોકરી શરૂ કરી હોવાનું એસઓજીને જણાવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પારુલ યુનિ.ના ફિઝિયોથેરાપી વિભાગના ડીન-પ્રિન્સિપાલ સામે બળાત્કારની ફરિયાદને લાંબો સમય વિતી ગયો હોવા છતાં પણ જિલ્લા પોલીસ એને શોધી શકી નથી. મહત્ત્વની વાત તો એ છે કે બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ બળાત્કારના આરોપીએ આસામમાં નવી નોકરી શરૂ કરી હોવાની જાણ કરવા છતાં જિલ્લા પોલીસ હાથ ઉપર હાથ રાખી બેસી રહી છે.સ્ત્રીઓના હક્કોના રક્ષણ માટે સતત જાગૃત છીએ એવા રાજ્ય સરકારના દાવા અને બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ આચરનાર અને એમને મદદ કરનારાઓને કોઈપણ સંજાેગોમાં છોડવામાં નહીં આવે એવી વાતો કરનાર રાજ્યના ગૃહમંત્રીની વાતોને બોદી પુરવાર કરનાર આ ઘટના હોવાનું માનવામાં આવે છે. બળાત્કારનો ભોગ બનેલી યુવતી દ્વારા બળાત્કારનો આરોપ ધરાવનાર ડો. નવજ્યોત ત્રિવેદીને એક તરફ જિલ્લા પોલીસ પકડી શકતી નથી, ત્યારે આ મામલાની તપાસનો હવાલો ધરાવનાર જિલ્લા એસઓજીના પીઆઈ અજય દેસાઈને ૧પ દિવસ અગાઉથી બળાત્કારી નવજ્યોત ત્રિવેદીએ આસામ ટાઉન યુનિ.માં પ્રોફેસર તરીકેની નોકરી શરૂ કરી હોવાની લેખિત અને વોટ્‌સએપ મેસેજ દ્વાર જાણ કરી હોવા છતાં આજદિન સુધી એસઓજીએ કોઈ કાર્યવાહી કરી નથી. એસઓજીની ગુનાહિત બેદરકારી અંગે યુવતી દ્વારા રાજ્યના ગૃહમંત્રી માનવઅધિકાર પંચ દિલ્હી અને મહિલા આયોગ દિલ્હીને જાણ કરવામાં આવી છે.

જેમાં બળાત્કારની ફરિયાદ લેવામાં જિલ્લા પોલીસની આનાકાની કર્યા બાદ મોડે મોડે ફરિયાદ નોંધી હોવાનો આરોપ ઉપરાંત આરોપીને ભાગવાનો સમય અપાયો હોવાનું પણ જણાવ્યું છે. જ્યારે આખા મામલાને ધરબી દેવા માટે પારુલ યુનિ. સત્તાવાળાઓના પાંચની ભેદ ભૂમિકા અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં શહેર પોલીસ અને જિલ્લા પોલીસ વચ્ચે બાય બાય ચારણી જેવી રમાડાતી હોવાનું જણાવી ન્યાયની માગ કરી છે.

પારુલ યુનિ.માં સમાંતર પોલીસ મથક ચલાવાય છે

વડોદરા. બળાત્કાર માટે બદનામ પારુલ યુનિવર્સિટીમાં એક સમાંતર પોલીસ સ્ટેશન ચલાવાય છે. યુનિ.માં બનતા કોઈપણ ગુનાઓ અંગે યુનિ.નો પગાર લેતા નિવૃત્ત પોલીસ અધિકારીઓ નિર્ણય લે છે. બાદમાં એ મામલો પોલીસ સુધી પહોંચાડવો કે નહીં એવું નક્કી થાય છે. એ ઉપરાંત શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા ખુદને પારુલ યુનિ.ના સંચાલકો સામે ગંભીર આક્ષેપોની જાણ હોવા છતાં પ્રોગ્રામોમાં હાજરી આપી શું સાબિત કરવા માગે છે? એવો સવાલ ઊભો થયો છે.