અમદાવાદ-

મધ્ય પ્રદેશના તેંદુખેડામાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી વટવા જીઆઈડીસી વિસ્તારમાં છુપાયો હોવાની જાણ વટવા પોલીસ સ્ટેશનને થતા પોલીસે વટવા જી.આઈડી.સીમાં આવેલા જેક્શન કંપનીના ગોડાઉનમાંથી આરોપીને ઝડપી પુછપરછ હાથધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસે કેદાર પટેલ નામના શખ્સના મકાન પાછળ આવેલા ટપરામાં ભરેલા ભુસામાંથી બાળકીનો મુતદેહ મળી આવ્યો હતો. જેથી આ અંગે પોલીસે તપાસ કરતા કેદાર પટેલનો દિકરો નીતિન પટેલે બાળકનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આરોપી નીતિન પટેલ ફરાર થઈ ગયો હતો. જેથી આ આરોપીની જાણકારી આપનારને રૂ.30 હજારનું ઈનામની પણ જાહેરાત કરી હતી. બીજી બાજુ મધ્યપ્રદેશ પોલીસને બાતમી મળી હતી કે, નીતિન પટેલ નામનો આરોપી અમદાવાદના વટવા જીઆઈડીસીમાં છુપાયેલો છે. જેથી મધ્ય પ્રદેશ પોલીસે અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસની મદદ માંગી હતી અને આરોપીની તમામ વિગતો આપી હતી. જેના આધારે વટવા જીઆઈડીસી પોલીસે જેક્શન કંપનીના ગોડાઉનમાંથી આરોપી નીતિન પટેલની ધરપકડ કરી પુછપરછ હાથધરી હતી. જેમાં એવુ જાણવા મળ્યું હતું કે, 5 જૂનના બપોરના સમયે બાળકી તેના ઘર પાસે રમતી હતી ત્યારે નીતિન એકલતાનો લાભ મેળવીને બાળકીને મોઢું દબાવી ઢસડીને પોતાના ઘરે લઈ આવ્યો હતો. બાદમાં બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળકી બૂમો પાડી રહી હોવાથી નીતિને તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેનો મૃતદેહને ઘઉંના ભૂસામાં સંતાડી દીધો હતો. ત્યારબાદ ટ્રેનમાં બેસી અમદાવાદ વટવા જીઆઈડીસીમાં આવેલી જેક્શન કંપનીના ગોડાઉનમાં કામ કરવા લાગ્યો હતો.