રાજકોટ

શહેરના કુવાડવા રોડ પર આવેલી ધ ગ્રેટ ભગવતી હોટલ એન્ડ રેસ્ટોરાંમાં ધમધમતી નકલી કોવિડ હોસ્પિટલમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યા હતા. આ સાથે જ નકલી હોસ્પિટલના સંચાલક અને સિવિલના પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ દાખલ હતા. તમામ દર્દીઓના પરીવારજનોએ જ ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલ પર દરોડા બાદ તમામ દર્દીઓ એમ્બુલન્સ કે અન્ય વાહનોની વ્યવસ્થા કરી પોતાના ઘરે હોમ આઈસોલેટ થઈ ગયા હતા.

બી ડિવિઝન પોલીસે શ્યામ રાજાણી નામના આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. આ સાથે જ સિવિલના પૂર્વ કર્મચારી હેમંત રાજાણીના બોગસ તબીબ પૂત્ર શ્યામે 5 દિવસથી કોરોનાની હોસ્પિટલ શરૂ કરી હતી. અહીં બંને પિતા-પૂત્ર પોતાની રેસ્ટોરાંમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. કોઈ પણ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટિસ કરવા માટેની ડિગ્રી કે પ્રમાણપત્ર ન હોવા છતાં નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18,000 રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને દર્દીઓના આરોગ્યની સાથે ચેડા કરતા હતા. આખરે તેનો ભાંડો ફૂટતા ધમધમતી નકલી કોવિડ હોસ્પિટલ પર દરોડા પાડી પોલીસે હેમંત દામોદરભાઈ રાજાણીની ધરપકડ કરી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા મોટા ભાગની હોસ્પિટલ્સ હાઉસફૂલ થઈ ગઈ છે. આ તકનો લાભ ઉઠાવી પિતા-પૂત્રએ લોકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે હેમંત દામોદરભાઈ રાજાણી અને શ્યામ હંમંતભાઈ રાજાણી સામે ગુનો નોંધ્યો હતો. જોકે, પોલીસે હાલમાં હેમંત રાજાણીની ધરપકડ કરી છે. જ્યારે શ્યામ રાજાણી હજી પણ ફરાર છે. પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ નકલી કોવિડ હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.