ગાંધીનગર-

ગાંધીનગર જિલ્લાના વલાદ ગામની સીમમાં આવેલી 45 વીઘા જમીન પચાવી પાડવાના મામલે ભૂમાફિયા ટોળકીના અમદાવાદનાં પાંચ સભ્યોને ઝડપી લીધા હતા. ડભોડા પોલીસે આ પાંચેય ભૂમાફિયાઓ સામે પાસા કરીને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા છે.

આ અંગે ડભોડા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લાના વલાદ ગામની સીમમાં અલગ-અલગ સર્વે નંબરની આશરે બાર વિઘા કિમતી જમીનનાં ખેડૂતોને વિશ્વાસમાં લઈ ભૂમાફિયા ટોળકીએ વેચાણથી લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ અખબારોમાં ટાઇટલ ક્લિયર આપવાના બહાને ટાઇટલ પત્રોમાં ખેડૂતોની સહીઓ તેમજ અંગૂઠા કરાવી લીધા હતા. જેના થકી જૂના સ્ટેમ્પ પેપરોનો ઉપયોગ કરી ખોટા અને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કર્યા હતા. આ ખોટા અને બનાવટી પાવર ઓફ એટર્નીને ગાંધીનગરની રજિસ્ટાર કચેરીમાં જમીનના દસ્તાવેજો કરાવી લઈને કિંમતી જમીન હડપ કરી લેવામાં આવી હતી.

આ મામલે અમદાવાદનાં પાંચ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ત્રણ ગુનાઓ ડભોડા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ અંતર્ગત ગાંધીનગરના નાયબ પોલીસ અધિક્ષક એમ.કે. રાણા દ્વારા ભરત મેલા ભાઈ રબારી(મૂળ પાટણ, હાલ રહે. મહારાણા પ્રતાપ સોસાયટી પાસે, રબારીવાસ, ઇસનપુર, અમદાવાદ,) કેતન મનુભાઈ રાવળ (રહે. અંબિકા એપાર્ટમેન્ટ ગરીબ આવાસ યોજનાના મકાન નવા ઘોડાસર અમદાવાદ), કપિલ હસમુખભાઈ પરમાર (રહે. અંબિકા એપાર્ટમેન્ટ, ઘોડાસર, અમદાવાદ) ભૂપતસિંહ ઉર્ફે ભુદા ભાઈ વાઘેલા (રહે. ગતરાડ મુખીવાસ, તાલુકો દસકોઈ) તેમજ રમેશ ગલબાભાઈ વીરાભાઇ પ્રજાપતિ (આનંદ એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ હાથીજણ અમદાવાદ) ની ધરપકડ કરવામાં આવી હતી.

જે અન્વયે ડભોડા પીએસઆઇ એલ.એચ.મસાણી દ્વારા અલગ અલગ પાંચ પાસાની દરખાસ્તો તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી. જે મંજૂર થતાં ડભોડા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ભરત રબારીને ભાવનગર, કેતન રાવળને ભુજ, કપિલ પરમારને રાજકોટ, ભુપતસિંહ વાઘેલાને વડોદરા તેમજ રમેશ પ્રજાપતિને સુરત લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.