ભરૂચ, ભરૂચમાં એક તરફ કોરોના કાબુ બહાર જઈ રહ્યો છે. કોરોના સંક્રમણ કેસોનો ભરમાર થઈ રહ્યો છે, બીજી તરફ ભરૂચના કોવિડ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહો એટલા વધી ગયા છે કે મૃતદેહોની કતાર જાેવા મળે છે. સરકાર અને તંત્ર માસ્ક વગર ફરતા લોકો માટે કોરોના ગાઈડલાઈન અનુસાર મસમોટા દંડ વસૂલી રહ્યા છે. સોસિયલ ડિસ્ટન્સના નામે ચારથી વધુ લોકો એકત્ર થઈ શકતા નથી. ત્યારે આવા કોરોના મહામારીના સમયે ભરૂચમાં હજુપણ બોડી મસાજ સ્પા ધમધમી રહ્યા છે. સરકાર કે તંત્ર આ બાબતે જાણે અજાણ હોય તેમ બોડી મસાજ સ્પાના સંચાલકો માટે કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરેલ નથી કે પછી બોડી મસાજ સ્પા બંધ કરાવ્યા નથી. પોતે અંજાન હોય પણ કોરોના લક્ષણ વગરના લોકો પણ બોડી મસાજ કરાવવા આવતા હોય ત્યારે બોડી મસાજ કરનાર પણ આવા સમયે કોરોના ગ્રસ્ત થઈ શકે છે, તેમજ બોડી મસાજ કરનાર પોતે કોરોના સ્પ્રેડર બની અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. તંત્ર આ બાબતે ગંભીરતા દાખવી જરૂરી પગલાં લઈ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.