બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાત કેસમાં દરરોજ અવનવા વળાંક આવી રહયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતસિંહનું મોત આપઘાત (ગળેફાંસો ખાવાથી) જ હોવાનું સ્પષ્ટ થયા પછી પણ તેમના ચાહકો, અમુક રાજકીય નેતાઓ, અભિનેતા-અભિનેત્રીઓ અને હવે સુશાંતનાં પરીવારજનો સીબીઆઇ તપાસની માંગ કરી રહયા છે.તો આખરે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ કડક પ્રતિક્રિયા વ્યકત કરી છે.

આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયામાં પોતાની વાત રજુ કરતા ટિવટ કર્યુ છે કે સુશાંતસિંહ રાજપુતના કેસમાં જે ચાલી રહયુ છે તે ગંદી રાજનીતિ છે. પરંતુ પોતે ધીરજ રાખી રહયા છે. મહારાષ્ટ્ર સરકારની લોકપ્રિયતાથી ઇર્ષા અનુભવતા લોકો મારા અને ઠાકરે પરીવાર પર કાદવ ઉછાળવાનું કામ કરી રહયા છે. આ તેમની રાજનૈતિક નિષ્ફળતાનું પરિણામ છે. મૃત વ્યકિતના નામે રાજનીતિ કરવી એ માણસાઇને શર્મશાર કરતું કૃત્ય છે. મારે આ કેસ સાથે કોઇ લેવા દેવા નથી. 

બોલિવુડ એ મુંબઇનો એક મહત્વનો ભાગ છે જે અનેકને રોજગારી પુરી પાડે છે. મારે બોલિવુડ સાથે સંકળાયેલા અનેક લોકો સાથે સારા સંબંધો છે. પરંતુ તે કોઇ ગુનો નથી.આદિત્યએ આગળ ટિવટ કર્યુ છે કે સુશાંતસિંહ રાજપુતનું નિધન દુ:ખદાયી અને આઘાતજન્ક ઘટના છે. વિશ્ર્વમાં જાણીતી મુંબઇ પોલીસ કેસની તપાસ કરી રહયા છે. પરંતુ તેમને કાયદા પર વિશ્ર્વાસ નથી તેઓ બિનજરૂરી શંકા ઉભી કરી રહયા છે અને તપાસને હાની પહોંચાડવાનો પ્રયાસ કરી રહયા છે. હું બાલ ઠાકરેનો પૌત્ર છું. અને હું એવું કશું નહી કરૂં કે જેથી તેમની છબી ખરડાય. જે લોકો આક્ષેપો કરી રહયા છે તેમણે આગળ આવવું જોઇએ અને મુંબઇ પોલીસને પુરાવા આપવા જોઇએ. આવા પાયાવિહોણા આક્ષેપોથી તેઓ ઠાકરે પરીવાર અથવા સરકારને બદનામ ન કરી શકે. 

ભાજપ નેતા નારાયણેે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે સુશાંતસિંહે આપઘાત નથી કર્યો પરંતુ તેમની હત્યા થઇ છે. મુંબઇ પોલીસ કે જે આ કેસને આપઘાતમાં ખપાવી રહી છે તેઓ મહારાષ્ટ્ર સરકારનું કશુક છુપાવી રહી છે. આટલા મહત્વના કેસમાં ખોટા આક્ષેપો કરી તપાસને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. અન્યની જેમ આ બનાવ આપઘાતનો નહીં હત્યાનો જ છે.