નડિયાદ : નડિયાદ પોકસો કોર્ટે આજે દુષ્કર્મના ગુનામાં આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારી છે. આ શખસ પહેલાં કિશોરીને ભગાડી ગયો હતો અને ત્યારપછી તેની મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બનાવ એક વર્ષ પહેલાં બનેલો હતો, જે કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આરોપી ઉપર ૨૦ જેટલાં દસ્તાવેજી પુરાવાઓ તપાસીને આજે સજાનો હુકમ કર્યો હતો.

મહુધા તાલુકાના મહિસા તાબેના શક્તિનગરમાં રહેતો રાહુલ ઊર્ફે ભયો બળવંત વસાવા એક વર્ષ પહેલાં ૧૮ જાન્યુઆરી, ૨૦૨૦ના ગામમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. ૧૮ જાન્યુઆરીથી ૧૨ ફેબ્રુઆરી એટલે કે, લગભગ ૧ માસ સુધી રાહુલે તેને ગામની સીમમાં આવેલાં લીમડીવાળા ખેતરની ઓરડી વગેરે સ્થળોએ ફેરવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તદુપરાંત રાહુલે આ ઘટનાના ૨ મહિના પહેલાં પણ કિશોરી સાથે ગામની સીમામાં દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર બનાવની ફરિયાદ મહુધા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. પોલીસે ઈપીકો કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોકસો હેઠળની કલમો લગાવી આરોપીને પકડી લીધો હતો.

આજે આ કેસ નડિયાદની પોકસો કોર્ટમાં હાથ ધરાયો હતો. ન્યાયાધીશ ડી.આર. ભટ્ટે સરકારી વકીલ રાહુલ બ્રહ્મભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી કુલ ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવા તપાસી આરોપી રાહુલ ઊર્ફે ભયો વસાવાને આઈપીસી ૩૬૩ના ગુનામાં ૫ વર્ષ કેદની સજા અને રૂ ૫,૦૦૦નો દંડ, આઈપીસી ૩૬૬ના ગુનામાં ૫ વર્ષ કેદની સજા તથા ૫,૦૦૦નો દંડ, આઈપીસી ૩૭૬(૨)(એન)ના ગુનામાં ૧૦ વર્ષ કેદની સજા તેમજ ૫,૦૦૦નો દંડ તેમજ પોકસોની કલમ હેઠળ દસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.