દિલ્હી-

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૫ જૂને જ્યારે પોતાની પ્રેસિડેન્શિયલ ટ્રેનથી કાનપુર પહોંચશે તોઆ ક્ષણ ખુબ જ ખાસ હશે. કાનપુર રેલ્વે સ્ટેશનના ઈતિહાસના પાનામાં એક નવો અધ્યાય જાેડાઈ જશે. કેમ કે પહેલીવાર પ્રેસિડેન્શિયલ ટ્રેન અહીં પહોંચશે. આ ક્ષણ ખુબ જ મહત્વપુર્ણ એટલા માટે પણ છે કે ૧૮ વર્ષ બાદ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્શિયલ ટ્રેનની યાત્રા પર નીકળશે.

રાષ્ટ્રપતિના કાર્યક્રમ દરમિયાન ૩ દિવસ સુધી સેન્ટ્રલ સ્ટેશન પર આ વિશેષ ટ્રેન ઉભી રહેશે. તેને જાેઈ શકવી સંભવ નથી, કેમ કે તેની સુરક્ષામાં રાષ્ટ્રપતિની સુરક્ષા ટીમ હાજર હશે. શહેરમાં આ વિશેષ ટ્રેનના પહેલીવારના આગમન પર લોકોમાં તેના વિશે જાણવાની ઉત્સુકતા જાેવા મળી રહી છે. બુલેટ પ્રૂફ વિન્ડો, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, દરેક આધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનનો ઈતિહાસ પણ અનોખો છે.

રાષ્ટ્રપતિ જે ટ્રેનથી સફર કરે છે, તેને પ્રેસિડેન્શિયલ સલૂન પણ કહે છે. આ ટ્રેનની શ્રેણીમાં આવતી નથી. જાે કે પાટા પર જ ચાલતી હોવાને કારણે તેને પ્રેસિડેન્શિયલ ટ્રેન પણ કહે છે. તેમાં બે કોચ હોય છે. જેનો નંબર ૯૦૦૦ તેમજ ૯૦૦૧ હોય છે. અત્યાર સુધી દેશના અલગ-અલગ રાષ્ટ્રપતિ ૮૭ વખત આ સલૂનનો ઉપયોગ કરી ચૂક્યા છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ પહેલા રાષ્ટ્રપતિ હતા, જેઓએ વર્ષ ૧૯૫૦માં દિલ્હીથી કુરુક્ષેત્રની સફર પ્રેસિડેન્શિયલ સલૂનથી કરી હતી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડો. નીલમ સંજીવા રેડ્ડીએ પણ આ સલૂનથી યાત્રા કરી હતી. ૧૯૬૦થી ૧૯૭૦ની વચ્ચે પ્રેસિડેન્શિયલ સલૂનનો ઉપયોગ નિયમિત રીતે થયો હતો. ૧૯૭૭માં ડો. નીલમ સંજીવા રેડ્ડીએ આ સલૂનથી યાત્રા કરી હતી. જે બાદ લગભગ ૨૬ વર્ષ બાદ ૩૦ મે ૨૦૦૩ના રોજ ડો. એપીજે અબ્દુલ કલામે આ સલૂનથી બિહારની યાત્રા કરી હતી.