વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં કોરોનાએ ધીરે ધીરે પુનઃ ભરડો લીધો છે. તાજેતરમાં જ યોજાયેલી મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોનાની ગાઇડ લાઇનના કરાયેલા ભંગના પરિણામો આવવાનું શરૃ થયું છે. વહીવટીતંત્ર દ્વારા છેલ્લા ચાર થી છ મહિનામાં શહેર – જિલ્લામાં જાણે કોરોનાની કોઇ જ ગંભીરતા ન હોય તેવી કાર્યવાહી થઇ છે જેના પગલે ૬૦ દિવસના ગાળા પછી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને વટાવી ગઇ છે. ગોત્રીમાં હાલમાં ૧૧૦ દર્દીઓ દાખલ થયેલા છે. જ્યારે એસએસજીમાં ૯૦ દ્દર્દીઓ દાખલ થયેલા છે. જ્યારે બીજા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયેલા છે. આ સંખ્યા તો તંત્રમાં નોંધાવવામાં આવેલા દર્દીઓના આંકડાની છે. જાેકે શહેર અને જિલ્લામાં ઘણા કેસો હજી ચોપડે નોંધાયા નથી. દર્દીઓએ ખાનગી તબીબો પાસે દવા લેવાનું શરૃ કર્યું છે.

મધ્ય ગુજરાતમાં કોરોના સામે પગલાં લેવા માટે નિમાયેલા ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે આજે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી જીએમઇઆરએસના કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે સયાજી હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી.આ બંને હોસ્પિટલ ખાતે અધિક્ષક તબીબોની સાથે કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગેની સમીક્ષા કરી હતી. જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા શહેર – જિલ્લામાં વધી રહી છે તે ચિંતા જનક બાબત હોવાથી તંત્ર દ્વારા હવે આળસ ખંખેરવામાં આવી છે. અત્યાર સુધી સબ સલામતની બાંગ પોકોરીને તંત્ર આળસુ થઇ ગયું હતું. આંકડા છૂપાવવાનો કારસો રચાયો હતો તેની પોલ પણ દર્દીઓની જે રીતે સંખ્યા વધી રહી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ જે રીતે ભરાય છે તેના પગલે હવે પડદો ઉઠાવવાની ફરજ પડી છે.

ડો.વિનોદ રાવે આજે જણાવ્યું છેકે, મધ્ય ગુજરાતમાં કોવીડ -૧૯ના ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવશે.

એક મહિનામાં જ કોરોનાના બેડ બમણા ભરાયા

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા જે ઝડપથી વધી રહી છે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓની સંખ્યા એક મહિનામાં જ બમણી થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે. ૧૨મી ફેબ્રૂઆરીના રોજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓથી ભરાયેલા બેડની સંખ્યા ૫૨૯ હતી જે ૮મી માર્ચના રોજ ૧૦૫૫ને થઇ ગઇ હતી. ગત ૧૭મી જૂનના રોજ ૫૬૨ બેડ ભરાયા હતા. આ સ્થિતિને વટાવીને પુનઃ ગંભીર સ્થિતિ તરફ આવી ગયા હોવાનું બહાર આવ્યું છે.

રાજકીય નેતાઓ જ ગાઇડલાઇનનો ભંગ કરે છે

કોવીડ -૧૯ની ગાઇડલાઇનનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ જ તેનો ભંગ કરતા હોવાનું બહાર આવ્યુ છે. રાજકીય નેતાઓ દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવે તે જરૃરી છે.

જાહેર સ્થળોએ કોવિડ ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ

શહેરમાં આવેલા જાહેર સ્થળો એ કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો હોય છે. બાગ બગીચા, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, સરકારી કચેરીઓમાં પણ આ અંગે કોઇ જ જાતની ગંભીરતા સત્તાવાળાઓ રાખતા નથી.

વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી

શહેરની હોસ્પિટલોમાં વેન્ટીલેટર પરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગત ૧૧મી ફેબ્રુઆરીના રોજ વેન્ટીલેટર પરના દદ્દીઓની સંખ્યા ૬૩ હતી જે ૧૧મી માર્ચના રોજ વધીને ૧૦૭ થઇ ગઇ હતી. ૧લી ફેબ્રુઆરીના રોજ ૭૪ દર્દીઓ વેન્ટીલેટર પર હતા. કોરોનાના દદ્દીઓને વેન્ટીલેટરની જરૃર દર્દીની હાલત ગંભીર હોય અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય ત્યારે પડતી હોય છે.

હજુ માસ્ક વિના જ ફરતા નાગરિકો

શહેરમાં હજી પણ ઘણા નાગરિકો માસ્ક વિના જ ફરી રહ્યા છે. કોરોના વાઇરસની ગંભીરતાની નોંધ લીધા વિના જ લોકો ફરતાં હોય છે. જે શહેર માટે આગામી દિવસોમાં પુનઃ લોકડાઉન નાંખવું પડે તેવી સ્થિતિ સર્જશે તેમ પણ નિષ્ણાતો જણાવે છે.