રાજકોટ, કોરોનાના કારણે ત્રણ વર્ષના બાળકને હૃદયની ગંભીર બીમારી થઈ હતી. રાજકોટની પીડીયુ હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી હતી. ડૉક્ટરોના કહેવા અનુસાર બાળકનું હૃદય માત્ર ૨૦ ટકા કાર્યરત હતું. જાેકે, સારવાર બાદ બાળકની સ્થિતિ સુધરી અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. ૧૪ ફેબ્રુઆરીએ કિશન ડાભી નામના ત્રણ વર્ષીય બાળકને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ (પીડીયુ હોસ્પિટલનો જ ભાગ છે)માં લાવવામાં આવ્યો હતો. જૂનાગઢનું આ બાળક ન્યૂમોનિયા તેમજ કોવિડ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. બાળકને રાજકોટ લાવવામાં આવ્યો ત્યારે તેનું ડી-ડાઈમર ૮,૫૪૫ અને સીઆરપી ૧૯૭ હતું. પિડીયાટ્રિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતન ભાગલગામીયાએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “બાળક માયોકાર્ડિટિસ નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો અને આ થવા પાછળનું કારણ કોરોના હતું.

હૃદયના સ્નાયુઓમાં સોજાે આવી ગયો હતો જેના કારણે લોહીને પંપ કરવાની ક્ષમતા ઘટી ગઈ હતી. સોજાના કારણે બાળકનું હૃદય માત્ર ૨૦ ટકા કામ કરતું હતું. લગભગ ૨૦ દિવસ સુધી બાળકની સારવાર ચાલી હતી. ૧૦ દિવસ સુધી બાળક ઓક્સિજન સપોર્ટ પર હતું અને કાર્ડિયલ સપોર્ટ આપવા પાંચ દવાઓ અપાતી હતી. બાળકની સારવાર અમારા માટે પડકાર રૂપ હતી કારણકે ગમે ત્યારે હાર્ટ અરેસ્ટ થવાનો અને હૃદય કામ કરતું બંધ થઈ જવાનો ભય હતો, તેમ ડૉ. ભાલગામીયાએ ઉમેર્યું. પીડીયુ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. આર.એસ. ત્રિવેદીએ કહ્યું, અમે બાળકને જરૂરી તમામ દવાઓ અને સારવાર આપી હતી. કિશને સાજાે થતાં ૧૭ દિવસ લાગ્યા અને તેનો બધો જ શ્રેય અમારા તબીબો અને નર્સોને જાય છે જેમણે તેને આ દુર્લભ બીમારીમાંથી ઉગાર્યો. કિશનના પિતા મહેશ ડાભીએ કહ્યું, “મારા દીકરાનો નવો જન્મ થયો છે. અમે બધી જ આશા ગુમાવી દીધી હતી.