રાજકોટ-

છેલ્લા એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી. આર.કે. ગ્રૂપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા છે. આર.કે. ગ્રૂપ કેશ પર થતા ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી છુપાવવા અને પોતાન મોબાઈલમાં રહેલા વ્યવહારો બહાર ન આવે તે માટે બિલ્ડર્સ, ફાઇનાન્સર્સે પોતાના મોબાઈલ બદલી નાખ્યા હતા, મેસેજ ડિલીટ કરી નાખ્યા હતા, પરંતુ ઈન્કમટેક્સની ટીમે આ બધા મોબાઈલ અને વ્યવહારોનો ડેટા શોધી કાઢ્યો હતો. અને ભાગીદારોને વોટ્સએપમાં મેસેજ કરીને તેની પાસે વ્યવહારો મગાવતા સમગ્ર છુપાયેલા વ્યવહારો સામે આવ્યા હતા. બિલ્ડર લોબીમાં ચર્ચાતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે પૈકી એક પેઢી મારફત રાજકોટના 20 બિલ્ડરની રોકડની લેતી-દેતી ટોકન સિસ્ટમથી દૈનિક ચાલે છે. એક ઓફિસમાં રોજની રૂ.20 કરોડથી વધુ રકમ પડેલી હોય છે અને ત્યાં જે કોઇ વ્યક્તિ કાચી ચિઠ્ઠીમાં જે રકમ લખીને આવે તે રકમ તેને રોકડમાં ચૂકવી દેવાઈ છે. દરોડા પડતા જેમને આ પેઢી સાથે રોકડમાં વ્યવહારો કર્યા છે તેને પોતાના વ્યવહારો સગેવગે કરી નાખ્યા હતા. હાલ આ વ્યવહારોની ચકાસણી ઈન્કમટેક્સે કરી છે. આયકરની તપાસમાં આગામી દિવસોમાં વધુ બિનહિસાબી વ્યવહાર મળવાની સંભાવના છે. આર.કે. ગ્રૂપ, ટ્રીનટ્રી ગ્રૂપના પ્રફુલભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ સર્ચ અને સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.