વડોદરા : વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદનો તાજ કોના શિરે ચઢશે. એ લાંબા ગાળાના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા રાજ્યના મહાનગરો અને જિલ્લાના ૩૯ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડોદરા શહેરના પ્રમુખપદે પાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને શહેરની ઇન્દુ બ્લડ બેન્કના ડો. વિજય શાહની નિમણુંક કરવામાં આવી છે. તેઓએ આજે પોતાના હોદ્દદાનો ચાર્જ વિધિવત રીતે સાંસદ રંજનબેન ભટ્ટ પાસેથી સંભાળી લીધો છે. જયારે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખપદે અસ્વાહવીં પટેલ કોયલીવાળાની નિમણુંક કરવામાં આવી છે. આ બંનેની નિમણુંકો પછીથી શહેર જિલ્લાના ગણિત બદલાઈ ગયા છે. શહેર ભાજપના પ્રમુખ તરીકે નિમાયેલ ડો. વિજય શાહ આગામી દિવસોમાં પોતાની ટીમની રચના કરીને પ્રદેશ અધ્યક્ષ પાસે ચર્ચા વિચારણા કર્યા બાદ એને આખરી ઓપ આપવામાં આવશે.આજ પ્રમાણે જિલ્લામાં પણ નિમણુંકો કરવામાં આવશે. નવા પ્રમુખની વરણી પછીથી હોદ્દો મેળવવાને માટે આજથી જ કાર્યકરોએ હોડ લગાવી મુકી છે. જો કે શહેર પ્રમુખનો હોદ્દો ગ્રહણ કરવા જતી વખતે ડો. વિજય શાહ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગણ્યા ગાઠ્‌યાં કાર્યકરોને લઈને શહેર ભાજપના મનુભાઈ ટાવર ખાતે આવેલ કાર્યાલયે પહોંચ્યા હતા. જ્યા તેઓએ પ્રદેશ અગ્રણી અને પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓની હાજરીમાં હોદ્દો ગ્રહણ કર્યો હતો. તેઓને શહેર ભાજપના કાર્યકરોએ પ્રમુખપદની શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓની નિમણુંક કરાતા વધુ એકવાર શહેર ભાજપના ઉપાધ્યક્ષ પરાક્રમસિંહ પ્રમુખ બનવાથી વંચિત રહી ગયા હતા. તેઓની બાદબાકી કરાતા વધુ એરકવાર તેઓને કોઈ વચન અપાયાનું ભાજપના અગ્રણીઓમાં ચર્ચાઈ રહ્યું છે.