વડોદરા : પત્નીને જીવત સળગાવી દઈ હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ૨૦ સુધી ફરાર રહ્યા બાદ વૃધ્ધાવસ્થામાં આખરે જિલ્લા પોલીસને હાથે ઝડપાયો હતો જયારે દારૂબંધીના ગુનામાં ૧૧ માસથી વોન્ટેડ આરોપીની પણ જિલ્લા પોલીસે કેલનપુરથી ધરપકડ કરી હતી.  

પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને જીવતી સળગાવી દઈ તેની હત્યા કરવાના બનાવમાં ભરુચની એડી.સેસન્શ કોર્ટ દ્વારા મહેન્દ્ર ઉર્ફ ડાહ્યાભાઈ ભોગીલાલ તડવી (વડજગામ, તા.ડભોઈગામ)ને ગત ઓક્ટોબર-૯૩માં આજીવન કેદની સજા ફટકારી હતી. જાેકે ગત ૨૧-૧૦-૨૦૦૦ના રોજ તે ૪૫ દિવસના વચગાળાના જામીન પર છુટ્યા બાદ જેલમાં પરત નહી ફરી પલાયન થયો હતો જે બનાવની જે તે સમય ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બીજીતરફ ફરાર થયા બાદ તેણે રંજન નામની મહિલા સાથે બીજુ લગ્ન કર્યું હતું તે ડાહ્યાભાઈ ભોગીલાલ ઢોડિયા (પટેલ)નું નવુ નામ ધારણ કરીને બીજીપત્ની સાથે સુરતના કામરેજ તાલુકાના શેરપુર ખાતે રહેતો હતો. દરમિયાન ૨૦ વર્ષ સુધી પોલીસને હાથતાળી આપી રહેલો વૃધ્ધ કેદીની જિલ્લાની પેરોલ-ફર્લો સ્કવોર્ડે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સીસના આધારે ઝડપી પાડી તેને ડભોઈ પોલીસને સોંપ્યો હતો. જયારે વાઘોડિયા પોલીસ મથકમાં ગત ઓક્ટોબર-૨૦૧૯માં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલો મેસલા ઈસુભાઈ રાઠવા (પાડલિયાગામ, છોટાઉદેપુર) પણ અગિયાર માસથી વોન્ટેડ હતો. તે આજે કેલનપુર ખાતે આવવાનો છે તેવી માહિતી મળતા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે વોચ ગોઠવી તેને પણ ઝડપી પાડ્યો હતો.