રાજકોટ-

રાજકોટમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓના આપઘાતના બનાવ સામે આવ્યા છે પણ અત્યારે આપઘાતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પતિએ આપઘાત કાર્યનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. શહેરના હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. પત્નિ અને પુત્ર દવા લેવા ગયા બાદ ૫૫ વર્ષના હસમુખભાઇ ચાવડાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહેતાં કડીયા હસમુખભાઇ છગનભાઇ ચાવડાએ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ સિવિલમાં તેનેમૃત જાહેર કરાતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હસમુખભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. પોતે ત્રણ ભાઇમાં મોટા હતાં અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. હસમુખભાઇ અને તેમના પત્નિ મધુબેનને મજા ન હોઇ ગઇકાલે બંનેએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પત્નિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી હસમુખભાઇના પત્નિ અને પુત્ર દવા લેવા માટે ગયા હતાં. પાછળથી હસમુખભાઇએ ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિના કોવિડ રિપોર્ટથી ડરીને આ પગલુ ભર્યાની શકયતા પરિવારજનોએ જણાવી છે. જાેકે હાલતો હસમુખભાઈના મૃત્યુ પરિવારના જણાવ્યા મુજબ પત્નીને પોઝિટિવ આવતા ડરને કારણે આ પગલું ભર્યાનું અનુમાન લગાવાય રહ્યું છે. મહત્વનું છે કે કોરોનાને કારણે લોકોની માનસિક હાલત ખરાબ થઇ હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ ડરીને આપઘાત કર્યા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માં પણ એક વ્યક્તિએ પોતાને પોઝિટિવ આવતા આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો તો બીજી તરફ રાજકોટની સમરસ હોસ્ટેલ માં પણ સારવાર લઈ રહેલા એક મહિલાએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો.