મુંબઈ

આવતાં વર્ષે ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને દરેક દેશ પોતાની મજબૂત ટીમ તૈયાર કરવા માટે પોતાની પ્રોફેશ્નલ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવા ઉપર જોર આપી રહ્યા છે. અત્યાર સુધીમાં ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ), શ્રીલંકાની લંકા પ્રિમીયર લીગ (એલપીએલ), બાંગ્લાદેશની બંગાબંધુ પ્રિમીયર લીગ બાદ હવે કાલથી ઓસ્ટ્રેલિયાની બીગબેશ લીગ (બીબીએલ)નો પ્રારંભ થઈ રહ્યો છે.

 ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સીઝનના પ્રારંભીક 21 મેચના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. કાલથી શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ હોબાર્ટ હરિકેન્સ અને ડિફેન્ડીંગ ચેમ્પિયન સિડની સિક્સર્સ વચ્ચે રમાશે. આ પછી ક્વીન્સલેન્ડ અને એડિલેડના ગ્રાઉન્ડ ઉપર મુકાબલા રમાશે. આ ટૂર્નામેન્ટમાં ગ્લેન મેક્સવેલ, એરોન ફિન્ચ, હેનરીકેસ, ડેનિયલ સેમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ કમાલ બતાવશે. પહેલાં આ સીઝનની શરૂઆત 3 ડિસેમ્બરથી થવાની હતી. કાલે 1:45 વાગ્યાથી પ્રથમ મુકાબલો શરૂ થશે.

નવા વર્ષે રમાનારા મેચના સ્થળોની જાહેરાત આગામી સપ્તાહોમાં કરવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આશા વ્યક્ત કરી કે સરહદ પર લાગેલી પાબંદીઓમાં છૂટથી દરેક રાજ્યમાં મેચનું આયોજન કરાઈ શકશે. બીગબેશ લીગના વડા એલિસ્ટર ડોબસને કહ્યું કે એ વાતમાં કોઈ શંકા નથી આ લીગ અત્યાર સુધીના ફિક્ચર્સને લઈને સૌથી મુશ્કેલ કામ હતું આમ છતાં કાલથી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે તેનો આનંદ છે. આખા ઓસ્ટ્રેલિયા માટે આ વર્ષ અત્યંત ખરાબ રહ્યું છે. તેમણે કહ્યું કે અમે સીઝનના બાકી બચેલા 35 મેચ અને ફાઈનલ મેચ અંગે અમારી ક્લબ, પ્રસારણકર્તા, ભાગીદાર અને સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ રહેલી સિરીઝ પહેલાં બિગબેશના માત્ર નવ મેચ જ રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જ્યારે શરૂ થશે ત્યારે બીબીએલમાં 10 દિવસનો બ્રેક હશે. આ પછીના મેચ દિવસે રમાડવામાં આવશે. બાકીની ટેસ્ટ શ્રેણીદરમિયાન બીબીએલના મેચ ટેસ્ટ પૂર્ણ થયા બાદ રમાડવામાં આવશે.