દિલ્હી-

ખેડૂત આંદોલનના છ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. ભીષણ ગરમી અને ભયંકર કોરોના મહામારી હોવા છતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બનશે. ત્યાર બાદ આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને સરકાર ચલાવશે.

રાકેશ ટિકૈતે જણાવ્યું કે સરકારે રાજીનામું આપી દેવું જાેઈએ અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જાેઈએ. પ્રધાનમંત્રી મોદી જ રાષ્ટ્રપતિ બની જશે. વર્ષ ૨૦૨૨માં તેજ રાષ્ટ્રપતિ બનશે અને આખા દેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેશે. ટિકૈતને જ્યારે પુછવામાં આવ્યું કે ૨૦૨૪માં આવું કરવામાં આવશે કે ૨૦૨૨માં? તેના જવાબમાં ટિકૈતે જણાવ્યું કે પીએમ મોદી આવું ૨૦૨૨માં જ કરશે. તે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરશે અને પ્રધાનમંત્રીના દરેક અધિકાર પોતે લઈ લેશે. તેમણે આગળ જણાવ્યું કે દરેક કામની જવાબદારી વહેચવા જેવી હતી. મંત્રી ઓફિસર દરેકને કામ આપવું જાેઈતું હતું. પરંતુ દરેક મંત્રી ઘરમાં બેસી રહ્યા છે અને લોકોને મરવા માટે છોડી દીધા છે.