અમરેલી તા.૧૪

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ચાલી રહેલા રેતીચોરીના કૌભાંડનો મામલતદારે ગઈકાલે રાત્રે પર્દાફાશ કરી લાખો રૂપિયાની મશીનરી જપ્ત કરી છે. આ સમગ્ર મામલે ખાણખનીજ વિભાગને તપાસ સોંપી દેવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કરતા જિલ્લાની રાજનીતિ ગરમાઈ છે. સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા કરાતા હોવાનો ટ્‌વીટમાં આક્ષેપ કરાયો છે.

રાજુલાના ભાક્ષી ગામ પાસે ચાલતું હતું કૌભાંડ

રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે આવેલી નદીમાં બેરોકટોક રેતી ચોરી થતી હોવાની તંત્રને માહિતી મળ્યા બાદ ગતરાત્રિએ સંદિપસિંહ જાદવ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. મામલતદાર અને તેમની ટીમે ઘટનાસ્થળ પરથી રેતી કાઢવા માટેની મશીનરી સાથેની ચાર બોટ અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાંથી મસમોટો રેતીનો જથ્થો પણ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાંથી મસમોટા રેતીચોરી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડો. ભરત કાનાબારે આજે બપોરે ૧૨ વાગ્યે પીએમ મોદીને ટેગ કરી એક ટ્‌વીટ કર્યું હતું. જેમાં ભાક્ષી ગામ પાસેથી ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડને જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું અને સાથે લખ્યું હતું કે,સરકારી કામોમાં ભાગો રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા.

રાજુલાના પ્રાંત અધિકારી કુલદીપસિંહ વાળાએ કહ્યું હતું કે, ગતરાત્રે અમને રેતીચોરી બાબતે માહિતી મળતા મામલતદારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ઘટનાસ્થળ પરથી ચાર બોટ અને એક હિટાચી મશીન સીઝ કરવામાં આવ્યું છે. અહીં કેટલી રેતી ચોરી કરવામાં આવી અને આ કૌભાંડ સાથે કોણ સંકળાયેલું છે તે અંગે ખાણખનીજ વિભાગને તપાસ સોંપવામાં આવી છે.

અમરેલી ભાજપના નેતા પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી સમયાંતરે વિવિધ વિષયો પર ટ્‌વીટ કરતા રહે છે જે ચર્ચામાં પણ રહેતા હોય છે. ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ધોવાઈ જતા રસ્તાઓને લઈ લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને ભ્રષ્ટ લોકસેવકોની ટોળકીને ટુકડે ટુકડે ગેંગ ગણાવી હતી. આ ઉપરાંત ન્યાયતંત્ર, ઈ-કોમર્સ કંપની, બિસ્માર રસ્તા, ગટરના પ્રશ્નો જેવા મુદ્દે આગવા અંદાજમાં કરેલા ટ્‌વીટ ચર્ચામાં રહ્યાં છે.