વડોદરા : શહેરના આજવા રોડ પર આવેલ પાયોનિયર હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર અને સારસંભાળની ચાલતી લાલિયાવાડી અને લાપરવાહીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. છેલ્લા ૧૪ દિવસથી સારવાર લઈ રહેલા યુવાન દર્દીનું આખરે મોત નીપજ્યું હતું. થોડા દિવસ અગાઉ પણ આ જ હોસ્પિટલમાં સારવાર તેમજ સારસંભાળના અભાવે દર્દીનું મોત થતાં સગાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારી દોડી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં દર્દીઓની સારવાર માટે તંત્ર દ્વારા બેડની સુવિધા વધારવા માટે શહેર નજીક આવેલ પાયોનિયર, ધીરજ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. જે પૈકી આજવા નિમેટા રોડ સ્થિત પાયોનિયર હોસ્પિટલમાં પરેશભાઈ ભુરાભાઈ ખાંટ નામના યુવાન દર્દી કોરોનાની સારવાર માટે દાખલ થયો હતો. છેલ્લા ૧૪ દિવસની સારવાર લઈ રહેલા દર્દી પરેશભાઈએ હોસ્પિટલના કર્મચારી સ્ટાફની લાલિયાવાડી અને લાપરવાહીના પાપે છેલ્લા ત્રણ દિવસથી જાતે જ પાણીની બોટલ લેવાની ફરજ પડી હતી. જાે કે, યુવાન દર્દીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પાયોનિયર હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાંથી દર્દીઓને હરતા ફરતા શિફટ કરવામાં આવ્યા હતા. આ દર્દીઓના પણ તબીબ અને કર્મચારી સ્ટાફની બેદરકારીના કારણે બે દર્દીઓના મોત થયા હતા. જેના કારણે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસ સ્ટાફ અને જિલ્લા આરોગ્ય અધિકારી દોડી આવ્યા હતા. છાશવારે આવી હોસ્પિટલોમાં બેદરકારીના બનાવો બનતા હોવા છતાં તંત્ર કોઈ એક્શન કે પગલાં લેતી ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.