વડોદરા

યુસુફ પઠાણને જો ભારતીય ક્રિકેટમાં સૌથી મોટા હિટર્સ પૈકીનો એક કહેવામાં આવે તો બિલકુલ ખોટું નહીં ગણાય પરંતુ હવે આ 38 વર્ષીય ક્રિકેટર માટે કોઈ ટીમમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ છે. આઈપીએલમાં તેના પર કોઈએ દાવ લગાવ્યો નહોતો ત્યારે હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેનું પત્તું કપાઈ ગયું છે. વડોદરાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી જેની કમાન કૃણાલ પંડ્યાને સોંપાઈ છે. બીજી બાજુ યુસુફ પઠાણને ટીમમાંથી બહાર કરી દેવાયો છે.

વડોદરાના પસંદગીકારોએ મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને ટીમની કમાન સોંપી છે. જ્યારે દીપક હુડ્ડાને વાઈસ કેપ્ટન બનાવાયો છે. મોટી વાત એ છે કે 20 ખેલાડીઓની ટીમમાં યુસુફ પઠાણને જગ્યા અપાઈ નથી. યુસુફ પઠાણ વર્ષ 2007થી વડોદરાની ટીમનું પ્રતિનિધિત્વ કરતો આવે છે. યુસુફ પઠાણના ટીમમાં રહેતાં વડોદરાએ બે વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી છે જેમાં તેણે 28.27 રનની સરેરાશથી 1244 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં યુસુફ પઠાણનો સ્ટ્રાઈક રેટ 133.47નો રહ્યો છે. વર્ષ 2019માં પણ યુસુફ પઠાણે 34 રનની સરેરાશથી 134 રન બનાવ્યા હતા પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 116.23 રહ્યો હતો. જો કે હવે પઠાણની ઉંમર થઈ ગઈ હોવાથી વડોદરાએ યુવા ખેલાડીઓ ઉપર ભાર મુક્યો છે.વડોદરાએ છેલ્લે 2013-14માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. પાછલી 6 સીઝનમાં વડોદરા માત્ર એક વખત ફાઈનલમાં જગ્યા બનાવી શકી છે.