અમદાવાદ-

અમદાવાદમાં દીવાળીના તહેવારો બાદ કોરોનાની જે વિસ્ફોટક સ્થિતિ ઉભી થઈ છે તેની પાછળ માત્ર ને માત્ર સરકારની અનિર્ણાયકતા જ કારણભૂત છે. હમેશા નિર્ણય કરવામાં અવઢવ તથા મોડો અને ઉતાવળો વણ વિચાર્યો નિર્ણય કરી ફેરવી તોળવામાં સરકારે તમામ રેકર્ડ પોતાના નામે કરી લીધા છે.

ટેસ્ટિંગ પોલીસી, કોરોન્ટાઈન નીતિ , રથયાત્રા , નવરાત્રિ, શાળાઓ ખોલવી કે નહી , ફી અગેનો વિવાદ જેવા અનેક ઉદાહરણો છે જ્યાં વિજયભાઈ અસમંજસ માં દેખાયા છે. હાઈકોર્ટના હસ્તક્ષેપ સિવાય સરકાર કોઈ નિર્ણય પર આવી જ નથી શકતી એવી છાપ પણ ઉપસી છે. હાલ અમદાવાદમાં કર્ફ્યુ અંગે જે નિર્ણય લેવાયો તેમાં પણ સંકલનનો અભાવ જણાયો. શ્રી રાજીવ ગુપ્તા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ શિક્ષણ મંત્રી શાળાઓ ખોલવા અંગે પ્રેસ વાર્તા કરતા હતા વળી આ બધા વચ્ચે વિજયભાઈને કોઈકે યાદ કરાવ્યુ હશે કે મુખ્યમંત્રી તો આપ છો એટલે રાત્રે રાત્રિ કર્ફ્યુ ને ૬૦ કલાકનો સળંગ રાખવાનો અને શાળાઓ નહી ખોલવાની જાહેરાત કરી પોતાની હાજરી પુરાવી. ઓક્સીજન સપ્લાય મશીન ને સરકાર વેન્ટીલેટર ગણાવી ભટકાડી જઈ શકે એ મુખ્યમંત્રીની વહીવટી ક્ષમતા પર કેટલો ભરોસો કરી શકાય ?