સુરત-

સુરત પોલીસ હેડ ક્વાટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવે આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્રના મિત્રોને રાત્રિના સમયે કર્ફ્યૂ ભંગ કરવા બદલ અટકાવ્યા હતા. મિત્રોને અટકાવતા તેઓએ આરોગ્ય મંત્રીના પુત્રને ફોન કરી ભલામણ કરવા માટે બોલાવ્યો હતો. જેથી આરોગ્ય મંત્રી કિશોર કાનાણીનો પુત્ર પ્રકાશ કાનાણી પિતાની MLA લખેલી કાર લઈને ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ત્યારબાદ મંત્રી પુત્ર અને પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવ વચ્ચે બોલાચાલી થઇ હતી. સુનીતા યાદવે મંત્રી પુત્રને કારમાંથી MLA લખેલુ બોર્ડ હટાવી લેવા માટે કહ્યું હતું, ત્યારબાદ બોલાચાલી વધારે ઉગ્ર થતાં સુનીતા યાદવ પણ ઉગ્ર બની હતી. આ વિવાદમાં હવે કોન્સ્ટેબલ સુનીતા યાદવે રવિવારે સાંજના સમયે સુરત પોલીસ કમિશનર કચેરી પર પહોંચીને પોતાનું રાજીનામું આપી દધુ હતું. આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના પુત્રની સાથે થયેલી બોલાચાલી બાદ લોકો સુનીતા યાદવના સમર્થનમાં આવી રહ્યા છે.

પોલીસ કમિશનર કચેરી પર જઈને રાજીનામું આપ્યા બાદ સુનીતા યાદવે ટ્વિટ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. ટ્વીટમાં સુનીતા યાદવે લખ્યું હતું કે, 'હું સરકારની નોકરી કરું છું કોઈના બાપની નહીં, એ બીજા લોકો હશે જે નેતા અને મંત્રીઓની ગુલામી કરે છે. મેં મારા સ્વાભિમાનની સાથે સમજોતો નહીં કરીને મે મારી નોકરી કરી છે અને ભારત માતાની પ્રતિજ્ઞા આ વર્દી ખાતર લીધી છે, હું માફી માંગીશ પણ કઈ વાતની માફી? ક્યારેય નહીં.

ત્યારબાદ સુનીતા યાદવે વધુ એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'નેતાઓની ગુલામી ભ્રષ્ટ સિસ્ટમના કેટલાક કર્મચારીઓએ મન ભરીને કરી છે, કારણ કે તેઓને સ્વાભિમાન અને વર્દીની રક્ષા કરતા પૈસા વધારે ગમતા હતા. આ જ ભ્રષ્ટ અને કમજોર સિસ્ટમના કારણે નેતા એક સારા કર્મચારીઓને માપી તોલી રહ્યા છે. પરંતુ અમે ઝૂકવાવાળામાંથી નથી.

મહત્ત્વની વાત છે કે, આરોગ્ય મંત્રીએ સમગ્ર મામલે તેમના પુત્રનો કોઈ વાંક હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું અને જ્યારે મહિલા કોન્સ્ટેબલને પ્રકાશ કાનાણી સાથે બોલાચાલી થઇ હતી. તે સમયે પણ આરોગ્ય મંત્રીએ કોન્સ્ટેબલને કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે રવિવારના રોજ આરોગ્ય મંત્રીના પુત્ર સહિત છ લોકોની સામે જાહેરનામ ભંગનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા પ્રકાશ કાનાણી સહિત ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.