નવી દિલ્હી

હવાઈ ​​મુસાફરી ફરી મોંઘી થશે. સરકારે હવાઇ ભાડામાં ઓછામાં ઓછા 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં સરકારે પ્રાઇસ બેન્ડમાં 10 થી 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે લઘુતમ ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને મહત્તમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો. અત્યારે પ્રાઈસ બેન્ડમાં લઘુતમ ભાડામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે એપ્રિલના અંત સુધી અમલમાં આવશે. ATF એટલેકે વિમાનના બળતણના ભાવમાં વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી દ્વારા આ માહિતી ટ્વીટ દ્વારા આપવામાં આવી છે. તેમણે 100 ટકા ક્ષમતાવાળી એરલાઇનના સંચાલન અંગે જણાવ્યું હતું કે જો રોજિંદા ધોરણે મુસાફરોની સંખ્યા ૩૫ લાખને વટાવી જાય છે તો 100 ટકા ક્ષમતાવાળી એરલાઇનને સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, મહિનામાં ઓછામાં ઓછા 3 વખત આ કરવું જરૂરી છે. કોરોના પછી જ્યારે ઘરેલુ હવાઈ સેવા શરૂ કરવામાં આવી હતી ત્યારે પ્રવાસ માટે લેવાયેલા સમયને આધારે આખા દેશનો રૂટ 7 વર્ગોમાં વહેંચાયો હતો. દરેક કેટેગરી માટે ન્યૂનતમ અને મહત્તમ ભાડું નક્કી કરાયું હતું.

આ ભાડું ઇકોનોમી ક્લાસ માટે છે ઉપરાંત તેમાં યુઝર્સની ડેવલપમેન્ટ ફી, પેસેન્જર સિક્યુરિટી ફી અને GST સામેલ નથી. 25 મે 2020 ના રોજ ઉડ્ડયન મંત્રાલયે ઘરેલું હવાઈ સેવાની મંજૂરી આપી હતી. તે જ સમયે સમગ્ર માર્ગને સાત વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો. હાલમાં તમામ એરલાઇન્સને સરેરાશ ભાડા (લઘુત્તમ અને મહત્તમ સરેરાશ) કરતા ઓછા દરે 20 ટકા સીટ વેચવી પડે છે.

ફેબ્રુઆરીમાં વધારા પછીનું ભાડુ

1. પ્રથમ કેટેગરી 40 મિનિટની હવાઈ મુસાફરીનું પ્રાઇસ બેન્ડ 2200-7800 રૂપિયા છે.

2. બીજી કેટેગરી 40-60 મિનિટ માટે પ્રાઇસ બેન્ડ 2800-9800 રૂપિયા છે.

3. ત્રીજી કેટેગરી 60-90 મિનિટ મુસાફરી માટેનો પ્રાઇસ બેન્ડ 3300-11700 રૂપિયા છે.

4. ચોથી વર્ગ 90-120 મિનિટની છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 3900-13000 રૂપિયા છે.

5. પાંચમી કેટેગરી 120-150 મિનિટની છે. આ યાત્રા માટેનો પ્રાઇસ બેન્ડ 5000-16900 રૂપિયા છે.

6. છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની છે જેનો પ્રાઇસ બેન્ડ 6100 થી 20400 રૂપિયા છે.

7. સાતમી કેટેગરી 180-210 મિનિટની છે. આ માટેનો પ્રાઇસ બેન્ડ 7200-24200 રૂપિયા છે.